અમરેલી, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂઘાતએ સોમવારના રોજ ખેડૂતોને ખેતીવાડીના વીજ પુરવઠો હજુ સુધી કાર્યરત ન થતા તે મુદે વિજપડીની પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો અને કોંગી કાર્યકરો સાથે પહોંચી ધરણા કર્યા હતા. પોલીસે ધરણા કરી રહેલા દુઘાતની અટકાયત કરી હતી. દૂધાતએ આંદોલન ગાંધીનગર સુધી પહોંચશે અને ઉર્જા મંત્રીની ઓફિસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભાજપના નેતાઓ પણ ખેડૂતોના પ્રશ્ને આગળ આવવા આહવાન કર્યું હતું.અમરેલી જીલ્લામાં તોકતે વાવઝોડાને ૧ મહિના જેવો સમય વીતવા આવ્યો છતા સાવરકુંડલા અને લીલીયા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં વીજપુરવઠો કાર્યરત નહિ થતા ધારાસભ્યએ ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત આસપાસના ગામોના ખેડૂતો અને કોંગી કાર્યકરો તેમજ કેટલાક ગામોના સરપંચો સાથે પીજીવીસીએલ કચેરીમાં ધરણા કરી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

દુધાત સહિતના ખેડૂતોએ પીજીવીસીએલને સ્થાનિક અધિકારીઓ તેમજ ટેલિફોનિક માધ્યમથી ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી.ધરણાને પગલે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને દુધાતની પોલીસે અટકાયત કરી હતી અને તેમને સાવરકુંડલાના રૂરલ પોલીસ સ્ટેશમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ધારાસભ્યની અટકાયત થતા કોંગી કાર્યકરો અને ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી વિરોધ દરાશાવ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડેરો જમાવ્યો હતો.દુધાતએ આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ આપશે અને આવતી કાલે સાવરકુંડલા અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રીની ઓફિસ બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો સરકાર અને પીજીવીસીએલની કામગીરી સામે પણ દુધાતએ સવાલો ઉઠાવી આડેહાથ લીધી હતી.તો ભાજપના નેતાઓ ને પણ સરકારને આવકારવાને બદલે ખેડૂતોની વ્યથા સાથે સહકાર આપવા આગળ આવે તેમ જણાવ્યું હતું.તોકતે વાવાઝોડાને ૧ મહિનો થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિજપડી અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં ખેતીવાડી વિસ્તારોમાં વિજળી ના આવતા ખેડૂતો પરેશાન છે. ત્યા સોમવારના રોજ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્રારા વિજપડી પીજીવીસીએલની કચેરીએ જઈને ધરણા કર્યા હતા ત્યારબાદ પ્રતાપ દુધાતની પોલિસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી.