શહેરા,મોરવા હડફ તાલુકામાં ગુરૂવારના રોજ સારો વરસાદ થતાં જગતનો તાત ખુશખુશાલ થયો હતો. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં ખેતીકામમાં જાેતરાઇ ને પરિવાર અને ખેત મજૂરો સાથે ડાંગરની રોપણી કરવામાં વ્યસ્ત બન્યા હતા. જાેકે ખેડૂતો પણ હવે કંઈક નવું કરતા હોય તેમ ખુરશીમાં બેસીને ડાંગરની રોપણી કરતા દ્રશ્યો જાેવા મળ્યા હતા.મોરવા હડફ તાલુકાના ગ્રામીણ વિસ્તારના મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે. ખેડૂતો મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને ખેતીકામમાં જાેતરાયા હતા. પાછલા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો ભારે ચિંતિત થવા સાથે મેઘરાજાને મન ભરીને વરસવા માટે પ્રાર્થના કરી રહયા હતા. ગુરૂવારના રોજ મેઘરાજા મન ભરીને વરસતા જગતનો તાત ખુશખુશાલ થઇ ઉઠ્‌યો હતો. ખેતરના ચાયડા પાણીથી ભરાઇ જતાં ખેડૂત પોતાના પરિવાર સાથે ડાંગર રોપણી મા વ્યસ્ત બન્યા હતા. જ્યારે ખેડૂત સમરસિંહ નાનુસિંહ બારીઆ પોતાના ખેતરમાં પરિવાર સાથે ખુરશીમાં બેસીને ડાંગરની રોપણી કરતાં હોવાથી રસ્તા પરથી જતા રાહદારીઓ આ ખેડૂત પરિવાર ને જાેઈને ખુશ થતા હતા.