બાલાસિનોરના ૧૨ ગામના ખેડૂતોને વીજજાેડાણોનો લાભ પ્રાપ્ત થશે
11, જાન્યુઆરી 2021

લુણાવાડા

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં કરૂણા નિકેતન હાઇસ્કૂલ સેવાલીયા રોડ, બાલાસીનોર ખાતેથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ૧૨ ગામના ખેડૂતોના ૫૬૯ ખેતી વિષયક વીજ જાેડાણોને આ યોજનાનો જિલ્લા પ્રભારી અને પર્યાવરણ રાજ્ય કક્ષા મંત્રી જયદ્રથસિહજી પરમારે શુભારંભ કરાવતા જણાવ્યું હતુ કે, કિસાનોને અનેક પ્રકારની અગવડતામાંથી મુક્તિ અપાવતું બીજા તબક્કાનું આ ઐતિહાસિક ચરણ મંડાયું છે. ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાતના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં રાજયના ૨૭૦૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું હતુ કે, ગામડાના લોકોને શહેરો જેવી સુવિધા પ્રાપ્ત થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને જ્યોતિગ્રામ યોજના થકી માત્ર ૧૦૦૦ દિવસમાં જ ગુજરાતના તમામ ગામોમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડયો હતો.

મંત્રીએ સત્તાને સાધન બનાવી રાજ્ય સરકારે લોકોની અગવડતાઓને સગવડતામાં પરિવર્તિત કરી છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના ૧૮૦૦૦ થી વધુ ગામડાંઓના ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે પણ વીજળી ખેડૂતોને આપવાનુ ભગીરથ કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન વીજળી મળી રહેશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર સતત પ્રયત્‍નશીલ છે. સરકારના ખેડૂત હિતલક્ષી પગલાંના ભાગરૂપે કિસાન સમ્‍માનનિધિ હેઠળ દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે છે. આયુષ્‍માન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવતાં તે ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution