દિલ્હી-

બે મહિના પૂરા થયે હજી ખેડૂત આંદોલનનો કોઈ નિવેડો દેખાતો નથી ત્યારે ખેડૂતો આજે દેશભરમાં સદ્ભાવના દિવસ મનાવી રહ્યા છે. ખેડૂતોએ ગાંધીજીની પુણ્યતિથિના આજના દિવસને સદ્ભાવના દિવસ તરીકે ઉજવીને એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે દેશવાસીઓને પણ તેમની સંવેદના સમજાય એ માટે આજના દિવસનો પ્રતિક ઉપવાસ કરવા અપીલ કરી છે. 

ખેડૂતોના આંદોલનને ટેકો આપી રહેલા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે, મોદીજી અને યોગીજીએ સમજવાની જરૂર છે કે, ખેડૂતો હજી પીછેહઠ કરવાના નથી. મોટાભાગના વિપક્ષી નેતાઓએ ખેડૂતોને સાથ આપવાની જાહેરાત કરી દીધી છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાથે ફોન પર વાત કરીને તેમને સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રના નેતા જયંતિ પાટિલે પણ ખેડૂતોને સમર્થન આપ્યું હતું. ખેડૂત આંદોલન દરમિયાન હિંસા ફેલાવાના ડરે હરિયાણા સરકારે બે દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી તેનો ખેડૂતોએ વિરોધ કરીને ઈન્ટરનેટ સેવા ચાલુ કરવા અપીલ કરી હતી.