ભાવનગર, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેડૂત તાઉ-તે અને અતિવૃષ્ટિની અસરમાંથી હજી તો બહાર નથી આવ્યો ત્યાં જ રવિવારના રોજ ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. રાજકોટના જેતપુર તાલુકાના વીરપુર, ભાવનગરના જેસર અને મહુવામાં અને અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં સૂકાવવા રાખેલા મગફળીના પાથરાઓ પલળ્યા હતા. ભાવનગર જિલ્લામાં એક તરફ સવારના સમયે ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે બપોર પછી વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. સામાન્ય રીતે આસો મહિનામાં ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી હોય છે. પરંતુ, આજે જેસર અને મહુવા પંથકના ગામડાઓમાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.મહુવાના બોરડી, કોટીયા, કળમોદર, વાવડી, રતનપર, બગદાણા, મોળપર, કરમદીયા, ખારી, ગળથર, બેલમર સહિતના ગામોમાં અચાનક વરસાદી વરસ્યો હતો. ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાનો ખેડૂત હજી તો તાઉ-તેની અસરમાંથી માંડ બહાર નીકળી રહ્યો છે ત્યાંજ વધુ એકવાર ખેતી પર સંકટ સર્જાયું છે. આજે બપોરના સમયે સાવરકુંડલા પંથકના મોટા ભામોદ્રા અને છેલણા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટા ભામોદ્રા ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તાઉ-તે સમયે નુકસાનીનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને સારા ચોમાસા બાદા સારા પાકની આશા છે. પરંતુ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાની જવાની ભીતિ છે. રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ચોમાસાની માફક પાણી વહેતા થયા હતા. જ્યારે આસપાસના થોરાળા, સેલુકા, પીઠડીયા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર થયેલા મગફળી, કપાસ અને સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ધોરાજીના ભુતવડ, નાની મારડ, ફરેણી, ભોળા, સુપેડી સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ ખેતરોમાંથી ઉપાડી મગફળીના કરેલા પાથરાઓ પર વરસાદ વરસતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.