અમદાવાદ-

મુળ સ્પેનિશ પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનાવનાર અને 'સવાયા ગુજરાતી' તરીકે નામના હાંસલ કરનાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થતાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. 22 વર્ષ સુધી અમદાવાદની કોલેજમાં ગણિતના શિક્ષક તરીકે કાર્યરત રહેલા ફાધર વાલેસને લોકો તેમજ વિદ્યાર્થીઓ દેવદૂત તરીકે ઓળખતા હતા. સ્પેનના લોગ્રોનોમાં જન્મેલા ફાધર વાલેસે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને ભરપૂર પ્રેમ આપ્યો હતો. ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. 1960થી 1982 દરમિયાન તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. ક્યારેક તેઓ કોલેજ પર ચાલીને તો ક્યારેક સાઈકલ લઈને આવતા વાલેસને લોકો દેવદૂત ગણતા હતા. તેમના લખાણોમાં સરળ ગદ્યની અનોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.

જીવન ઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતમીાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ફાધર વાલેસ નિવૃત્ત થયા બાદ સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા પરંતુ ગુજરાત સાથે તેમણે અતૂટ નાતો જાળવી રાખતાં નિયમિત અહીંની મુલાકાત લેતા હતા. 

ફાધર વાલેસ ગુજરાતી ભાષાને હંમેશા માતૃતુલ્ય ગણતા હતા. જે લોકો ગુજરાતી લખી-વાંચી શકે છે એ લોકોની આંખે આ નામ ન ચડ્યું હોય તો જ નવાઈ પામવા જેવું રહે છે. ગુજરાતી પ્રજાની એક નહીં કદાચ બબ્બે પેઢી એમને વાંચીને મોટી થઈ છે. એમના નિબંધો, કેળવણી વિશેના લેખ, શિક્ષણ પ્રથા માટેનું ચિંતન પણ હજુ લોકો કંઠસ્થ છે જે આજે પણ એટલું જ મૂલ્યવાન છે. એમનું મુળ નામ કાર્લોસ જી.વાલોસ છે પરંતુ તેમને આખું જગત ફાધર વાલેસના નામે ઓળખે છે. ફાધર વાલેસ ખરા અર્થમાં વિશ્ર્વ નાગરિક હતા. 1949માં ચોવીસ વર્ષની ઉંમરે તેઓ ભારત આવ્યા હતા. ગ્રીક લિટરેચર અને ફિલોસોફીની ડિગ્રી તેમણે હાંસલ કરેલી હતી. શબ્દોના આ માણસ ચેન્નાઈમાં આંકડા ભણ્યો એટલે કે ગણિતની ડિગ્રી લીધી હતી. 1 મે 1960ના દિવસથી અમદાવાદ સેન્ટ ઝેવિર્સ કોલેજમાં ગણિત વિષયનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા સાથે તેમનું યાદગાર સંભારણું હંમેશા લોકોને યાદ રહેશે.