પાટણ : પાટણ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી બજાર સહિત વિવિધ વિસ્તારોના રસ્તાઓનું ધોવાણ થઇ જતાં મસમોટા ખાડા પડી ગયા છે. જેમાં શહેરના છીડીયા દરવાજા બહાર પારેવા સર્કલ સરકારી પુસ્તકાલય ,પીટીસી કોલેજ નજીક, રેલવે નાળા પાસે, પિતાંબર તળાવ રોડ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન રોડ, કલાનગર રોડ, જનતા હોસ્પિટલ રોડ, હિંગળાચાચરથી બગવાડા રોડ સહિત વિવિધ વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ જતા રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. જેના કારણે ખાડા પડી જતા રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો ઉપર પડેલા ખાડાઓથી વાહનચાલકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. નગરપાલિકા દ્વારા સત્વરે આ રસ્તાઓનું રીપેરીંગ થાય તેવી લોકોમાં જોરશોરથી માંગ ઉઠી છે. પાટણ શહેરના રસ્તાઓ પર કાદવ અને કીચડ જામતાં રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્‌યા છે. તુટેલા અને ગંદકીવાળા રોડ પૌરાણીક નગરીની અવદશાની ચાડી ખાઈ રહ્યા છે.