ભરૂચ

ગુજરાતના ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 16 કોરોના દર્દીઓનાં મોત થયા હતાં. આ ઘટનામાં ઘણા ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ભરૂચના પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શનિવાર રાત્રે 12:30 AM થી 1:00 AM દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવા ઘટના સ્થળ પર પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટેલ વેલ્ફેર હોસ્પિટલના પહેલા માળે કોરોના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું.


આ ઘટના અંગે માહિતી આપતી વખતે ભરૂચના SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'આ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 12 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આશરે 50 લોકોને આ આગમાંથી બચાવી બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'

આ ચાર માળની હોસ્પિટલ ભરૂચ-જંબુસર હાઇવે પર આવેલી છે, અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. ફાયર બ્રિગેડના ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, 'કોવિડ વોર્ડ હોસ્પિટલના પહેલા માળે બનાવવામાં આવ્યો હતો. ત્યાં ખુબ ભીષણ આગ લાગી હતી, અને એક કલાકમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો અને સ્થાનિક લોકોની મદદએ આવ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 50 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.'

અધિકારીએ જણાવ્યું કે બચાવવામાં આવેલા લોકોને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી સુધી, આગનું કારણ જાણવા મળ્યું નથી. હોસ્પિટલમાં આટલી મોટી આગ લાગવાથી થોડા જ સમયમાં અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ આગની જાણ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું, અને ટ્વિટ કરી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી.