ગાઝા-

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુધ્ધ હવે વધુ જોરદાર બની ગયું છે. ગાઝામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ જ છે. આ દરમ્યાન વેસ્ટ બેંકમાં હિંસા ભડકી ઉઠી છે. અહીં ઈઝરાયેલી દળો સાથે એક હિંસક અથડામણમાં ૧૧ પેલેસ્ટીયનોના મોત થયા છે. બન્ને પક્ષો તરફથી એકબીજા પર હુમલાઓ ચાલુ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ ચેતવણી જાહેર કરી દીધી છે કે યુધ્ધ હજુ સમાપ્ત નથી થયું.

ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે પેલેસ્ટાઈની પ્રદર્શનકારીઓએ વેસ્ટ બેંકમાં ઈઝરાયેલી દળો પર પથ્થરો અને મોલટોવ કોકટેઈલ્સ ફેંકયા હતા. જેનાં કારણે આ વિસ્તારમાં તંગદિલ વધી ગઈ. સેનાએ માહિતી આપી છે કે તેમણે ગાઝામાં સેંકડો સૈનિક સ્થાનોને નિશાન બનાવ્યા છે તો બીજી તરફ પેલેસ્ટાઈન અત્યાર સુધીમાં ઈઝરાયેલ પર બે હજારથી વધારે રોકેટો નાખી ચુકયું છે. પેલેસ્ટીનીયન અધિકારી અનુસાર, અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. જેમાં ૩૧ બાળકો અને ૨૦ મહિલાઓ છે. ૯૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે, ઈઝરાયેલમાં મરનારાઓની સંખ્યા આઠ છેે. જેમાં છ નાગરીકો છે, ઈઝરાયેલના યહૂદી અને આરબની મિશ્રીત વસ્તીવાળા વિસ્તારોમાં અર્ધસૈનિક દળો તહેનાત કરી દેવાયા છે. અહીં પણ રમખાણો ચાલી રહ્યા છે.