સુરતમાં દબાણ હટાવવા પહોંચેલી ટીમ અને લારી - ગલ્લાવાળાઓ વચ્ચે મારામારી
29, જુલાઈ 2021

સુરત-

શહેરના વરાછા ખાતે આવેલ માતાવાડી વિસ્તારમાં આજે સવારે દબાણ હટાવવા માટે પહોંચેલી ટીમ પર લારી - ગલ્લાવાળાઓ દ્વારા હુમલો કરવામાં આવતાં મામલો બિચક્યો હતો. ભારે હોબાળાને પગલે સ્થાનિકોનું ટોળું પણ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે વરાછા ઝોન દ્વારા હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વરાછા ઝોન - એની એક ટીમ આજે માતાવાડી વિસ્તારમાં ન્યૂસન્શ રૂપ સાબિત થઈ રહેલા લારી - ગલ્લાઓના દબાણ દુર કરવા માટે પહોંચી હતી. અલબત્ત, દબાણ હટાવવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ સાથે શરૂઆતમાં લારી - ગલ્લાવાળાઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

જો કે, લારી - ગલ્લાવાળા અસામાજીક તત્વોને તાબે થવાને બદલે દબાણ ખાતાની ટીમ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતાં ક્રોધે ભરાયેલા આ ઈસમો દ્વારા મનપાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. માર્શલની ટીમ દ્વારા આ સમગ્ર બબાલમાં મનપા કર્મચારીઓનો બચાવ કરવામાં આવતાં કોઈ કર્મચારીને ઈજા પહોંચી નહોતી. જો કે, બાદમાં મનપાની દબાણ ખાતાની ટીમના કર્મચારીઓ દ્વારા બપોરે વરાછા પોલીસ મથકે પહોંચીને લારી - ગલ્લાવાળાઓ વિરૂદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિત મારામારી સંદર્ભેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution