ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા ૧૪ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની મુખ્ય પાંચ માંગણીઓને ગ્રાહ્ય રાખી છે. રાજ્યના પૂર્વ સૈનિકો છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓ મામલે રજૂઆત કરી રહ્યા હતા. આખરે આજે પૂર્વ સૈનિકો અને તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર ગાંધીનગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કર્યા હતા. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તેમની પાંચ માંગણીઓને માન્ય રાખી છે. ગુજરાત પૂર્વ સૈનિક મહામંડળ દ્વારા છેલ્લાં કેટલાક સમયથી વિવિધ ૧૪ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબર વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ અંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા ર્નિણયની વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે. જેમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. જ્યારે જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી અપાય છે. સંઘવી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે પાંચ માંગણીઓનો સ્વીકાર કરાયો છે, તેમાં શહીદ જવાનના પરિવારને ૧ કરોડની સહાય આપવી, શહીદ જવાનાના બાળકોને રૂ. ૫ હજાર શિક્ષણ સહાય આપવી, શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. ૫ હજારની સહાય આપવી, અપંગ જવાનના કિસ્સામાં ૨.૫ લાખની આર્થિક સહાય અથવા મહિને ૫ હજારની સહાય આપવી તેમજ અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ. ૫ લાખની સહાય આપવી તે મગણીઓનો સ્વીકાર કરાયો છે.

માજી સૈનિકોની ૧૪ પડતર માંગણીઓ

 શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ૧ કરોડની સહાય

શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી

શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન

શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા

વર્ગ-૧ અને વર્ગ-૪ સુધીની નિમણૂક વખતે અનામતનો ચુસ્ત અમલ

માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન

રહેણાંક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ

દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જાેગવાઈ

સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જાેગવાઈ

હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા કાર્યવાહી

માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ

સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ

ગુજરાત સરકારી સેવામાં ૫ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક

ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત

માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો

માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવી