વડોદરા

રાજ્યના મુખ્ય શહેરો વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો હતો. ત્યાર બાદથી લઇને પ્રથમ અમદાવાદમાં બસ સેવા, અને ગાર્ડન તથા હરવા – ફરવાના સ્થળો પર અવર – જવર માટે પાબંધી લગાડી દેવામાં આવી હતી. ત્યાર બાદ સુરતમાં બાગ – બગીચા સહિતના સ્થળોએ પાબંધી લગાડાઇ હતી. બે શહેરની પાલીકાના નિર્ણય બાદ હવે વડોદરામાં મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા બાગ – બગીચા 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ધુળેટીના જાહેર કાર્યક્રમો અંગે કોઇ સુચન આપવામાં આવ્યું નથી.

ચુંટણી પતી ગયા બાદથી રાજ્યના મોટાભાગના શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોમાં પ્રચંડ વધારો જોવા મળ્યો હતો. જેને લઇને હવે ગત માર્ચ માસમાં કોરોનાના શરૂઆતના સમયમાં લીધેલા નિર્ણયો ફરી લેવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. તાજેતરમાં અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટમાં 31 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુનો સમય વધારીને રાત્રે 10 વાગ્યાથી લઇને સવાલે 6 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો હતો. રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છત્તા કેસોમાં વધારો થયા હવે બસ સેવા અને બાગ – બગીચા સહિતની જગ્યાઓ પર લોકોની અવર – જવર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

પ્રથમ અમદાવાદમાં બસ સેવા અને બાગ – બગીચા તથઆ લોકોના પ્રિય ફરવાના સ્થળોએ અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુરતના વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસો વધારે છે તેવા વિસ્તારોમાં બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અને હવે વડોદરામાં પણ બાગ – બગીચાને આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પાલીકા સુત્રના જણાવ્યા પ્રમાણે, 31 માર્ચ બાદ સ્થિતીની સઘન સમીક્ષા કર્યા બાદ બાગ – બગીચા શરૂ કરવા કે નહિ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં વિવિધ શહેરોમાં કોરોનાને અટકાવવા માટે લેવામાં આવતા પગલા માર્ચ. 2020 માં કરવામાં આવેલી કાર્યવાહીની યાદો તાજી કરાવે છે. જો કે, હવે ધુળેટી પર્વ નજીક આવી રહ્યું છે. તેવા સમયે અનેક સંસ્થા દ્વારા ઘુળેટીના જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય તેવા બેનરો અને પોસ્ટરો ઠેક ઠેકાણે મારવામાં આવ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ધુળેટીના કાર્યક્રમ અંગે કોઇ નિર્ણય જાહેર ન કરતા તંત્ર હજી કોની રાહ જોઇ રહ્યું છે, તેવા સવાલો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે.