ગાંધીનગર તા.18

ગુજરાતને ઘમરોળનાર તાઉતે વાવાઝોડું ગઈકાલે રાતથી અત્યાર સુધી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અને આજ રાતથી અલગ અલગ વિસ્તારોમાં આ વાવાઝોડું આગળ વધશે જોકે હાલની સ્થિતિએ વાવાઝોડું નબળું પડયું હોવાનો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે.

આજે સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારોના જિલ્લા કલેકટરો સાથેની સમીક્ષા રીવ્યુ બેઠક બાદ આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાવાઝોડાની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના આગોતરા પ્લાનિંગના કારણે મોટી જાનહાની થઈ નથી તેવો દાવો કરતાં વિજય ભાઈ રૂપાણી એ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની 1400 કોવિડ હોસ્પિટલ પૈકી 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી 12 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પુન: શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાલની સ્થિતિ મુજબ 4 કોવિડ હોસ્પિટલમાં જનરેટર થી વીજ પુરવઠો ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું હતું કે વવાજોડા ની અસરથી રાજ્યના 2437 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી 484 ગામડાઓ માં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત 220 કે.વી.થી ઉપરના 2 સબ સ્ટેશન વવાજોડા નો અસરના કારણે બંધ પડ્યા છે.જયારે 1081 વીજ થાંભલા પડી ગયા છે.

તો બીજી તરફ રોડરસ્તા ની વિગતો આપતાં મુખ્યમંત્રી વિજયએ જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડાની અસર થી રાજ્યમાં 159 રસ્તાઓ ને નુકશાન થયું છે. જયારે 196 બંધ રસ્તા પૈકી 42 રસ્તા વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત 40 હજાર થી વધુ વૃક્ષ ધરાશાઈ થયા હોવાની વિગતો વિજય રૂપાણી એ આપી છે. ઉપરાંત તેમણે અન્ય વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં આ વાવાઝોડાથી 16, 500 ઝુંપડા અને કાચા મકાનો અસરગ્રસ્ત થયા છે. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેકટરો સાથે વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે. અને સ્થાનિક વહીવટી તંત્રના કલેકટર જિલ્લા વિકાસ અધિકારીઓ અને મંત્રીઓ પણ રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે આ વાવાઝોડાના કારણે રાજકોટ જિલ્લા ગારીયાધાર અને વાપી જિલ્લામાં કુલ અલગ અલગ કિસ્સાઓમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે