અમદાવાદ-

આજે સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને મતદાન બાદ તેમણે કહ્યું હતું કે, આજે લોકશાહીનાં ગૌરવનો દિવસ છે. મેં મતદાન કર્યું. આપ સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે -આપનાં મતાધિકારનો ઉપયોગ કરી, મોટી સંખ્યામાં મતદાન થાય એનો સફળ પ્રયાસ કરીએ. સર્વ પેજ પ્રમુખો અને પેજ કમિટીનાં સભ્યોને પણ વિનંતી કરું છું કે, આપનાં પેજની દરેક વ્યક્તિ મતદાન કરે એનું ધ્યાન રાખીએ, મને ખાતરી છે કે જે પરિણામ આવશે એ ક્રાંતિકારી હશે.

ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદિપસિંહ જાડેજાએ મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે અમદાવાદનાં વસ્ત્રાલ વોર્ડ, માધવ વિધા સંકુલમાં પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની મારી પવિત્ર ફરજ નિભાવી. તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને આપનો અમૂલ્ય મત થકી ચૂંટવા આહ્વાન કરું છું. આજે ગુજરાતભરમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સૌ નગરજનો મોટાપાયે કિંમતી મતદાન કરીને રાજ્યવિકાસમાં સહભાગી બને. અમિત શાહે મતદાન બાદ કહ્યું હતું કે, આજે અમદાવાદના નારણપુરામાં ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો. ગુજરાત રાજ્યના 6 મહાનગરપાલિકાઓમાં આજે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે હું તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું.