ટોક્યો-

ઓલિમ્પિક ગેમ્સની પોતાની એક પરંપરા છે, કલ્ચર છે ,ઈતિહાસ છે, જેને સદીઓથી દરેક એથલીટ ફોલો કરતા આવ્યા છે. પોડિયમ પર ઊભા રહીને મેડલને બચકું ભરવું પણ તેનો જ એક ભાગ છે. પરંતુ ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક દરમિયાન હવે આયોજકોએ એવું ન કરવાની તાકીદ કરી છે. હકીકતમાં, પોતાની ટેકનોલોજી માટે જાણીતા જાપાને આ ઓલિમ્પિકમાં ઘણા નવા પ્રયોગ કર્યા છે. જેમાં તેણે મેડલ્સ પણ ઈલેક્ટ્રોનિક્સ કચરાને રિસાઈકલ કરીને બનાવ્યા છે. અહીં ઈલેક્ટ્રોનિક્સ કચરાનો અર્થ ખરાબ થઈ ગયેલા મોબાઈલ ફોન, લેપટોપ સહિતના બીજા ડિવાઈસ છે, જેને જાપાનના નાગરિકોએ દાન કર્યા છે. તેમાંથી જ ઓલિમ્પિક માટે પાંચ હજાર ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ બનાવાયા છે. ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિએ અમેરિકાની એક એથલીટની તસવીર સાથે ટ્‌વીટ કર્યું. સાથે જ લખ્યું છે કે, 'અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ટોક્યો ઓલિમ્પિકના મેડલ મોંમાં રાખી શકાય તેવા નથી. અમારા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ઈલેક્ટ્રોનિક રિસાઈકલ ડિવાઈસથી બન્યા છે. એટલે તમારે તેને બચકું ભરવાની જરૂર નથી, પરંતુ અમને ખબર છે કે તમે તો પણ એવું કરશો.' ટ્‌વીટ પછી એક સ્માઈલી પણ છે. મેડલ જીત્યા પછી એથલીટ ફોટોગ્રાફર્સના નિવેદન પર એવું કરે છે, જેથી તે પોઝ યાદગાર બની જાય છે. પરંતુ શું માત્ર એ જ કારણ છે કે, એથલીટ પોતાના રાષ્ટ્રગીતની ધૂન પર ગર્વ કરવાની સાથે મેડલને બચકું ભરે છે કે પછી બીજું પણ કોઈ કારણ છે. હકીકતમાં, તેનો જૂનો ઈતિહાસ રહ્યો છે. કેમકે, સોનું મુલાયમ ધાતુ હોય છે, એવામાં તેને બચકું ભરીને તેની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવે છે. કોઈ જમાનામાં લોકો સોનાને બચકું ભરીને ચકાસણી કરતા હતા કે સોનું સાચું છે કે તેના પર પાણી ચડાવાયેલું છે. ઓલિમ્પિકના ખેલાડીઓ ગોલ્ડ મેડલને બચકું ભરે છે તો પણ તેના પર દાંતના નિશાન પડતાં નથી, કેમકે તેમાં સોનાની માત્રા ઘણી ઓછી હોય છે.