મુંબઇ-

મહારાષ્ટ્રમાં સંયુક્ત મોરચાની સરકારમાં ખટરાગના સંકેતો જાેવા મળી રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પાર્ટીના સ્થાપના દિવસ પર આપેલા નિવેદનના પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.

શિવસેના અને કોંગ્રેસ વચ્ચેના મતભેદો ઘેરા બની રહ્યા હોવાનો સંકેત પણ ઠાકરેના નિવેદનના પગલે મળી રહ્યો છે. ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, હિન્દુત્વ અને મરાઠી અસ્મિતા શિવસેનાની પ્રાથમિકતા છે. કોંગ્રેસનુ નામ લીધા વગર તેમણે કટાક્ષ કર્યો હતો કે, જે લોકો એકલા ચૂંટણી લડવાની વાત કરે છે તેમને જનતા ચંપલો વડે મારશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાનુ એલાન તાજેતરમાં કરી ચુકી છે. બીજી તરફ તાજેતરમાં દાદર વિસ્તારમાં શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલા ઝઘડા અંગે તેમણે કહ્યુ હતુ કે, શિવસેના જાે કોઈ અવાજ કરે છે તો તેને ધમાકેદાર રીતે જવાબ આપે છે. રસ્તા પર ઝઘડો કરવો એ શિવસેનાની ઓળખ નથી પણ કોઈને અન્યાય થાય છે ત્યારે શિવસેના તરત મદદ કરવા દોડે છે.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે ,જે લોકો એકલા ચૂંટણી લડવાની વાત કરે છે તે એકલા લડી શકે છે. જાે તેઓ એકલા લડશે તો અમે તમાશો નથી જાેવાના. શિવસેનાની પોતાની તાકાત છે. ચૂંટણી પોતાની તાકાત પર જ લડાતી હોય છે. અમારે લડવુ પડશે તો અમે લડીશું. મહારાષ્ટ્રમાં તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના સાહેબ પટોળેએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. હાઈકમાન્ડ કહશે તો હું મુખ્યમંત્રીનો ચહેરો બનવા તૈયાર છું.