જાણો શા માટે દિયા મિર્ઝાના લગ્નમાં કન્યાદાન અને વિદાયની વિધિ ના થઈ?
19, ફેબ્રુઆરી 2021

મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. તેઓના લગ્ન કેટલાંક કારણોથી ખાસ છે જેમ કે તેઓની વેડિંગ સેરેમની મહિલા પૂજારીએ કરાવી હતી. દિયા મિર્ઝાના લગ્નમાં શું ખાસ હતું તેનો ખુલાસો હવે દિયા મિર્ઝાએ પોતે જ કર્યો છે. દિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને તેના ફેન્સને જણાવ્યું છે કે તેના લગ્ન કઈ-કઈ બાબતે સ્પેશિયલ હતા.

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેના લગ્ન તે જગ્યાએ થયા કે જ્યાં તે છેલ્લા 19 વર્ષથી રહે છે. દિયા મિર્ઝાએ લખ્યું કે મારા લગ્નમાં પ્લાસ્ટિકની કોઈ બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને કોઈ પ્રકારનો બગાડ થયો નથી, મને તે વાતનું ગૌરવ છે. લગ્નના ડેકોરેશન માટે જે સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો તે સંપૂર્ણરીતે બાયોડિગ્રેડેબલ હતો.


અહીં નોંધનીય છે કે દિયા મિર્ઝા દેશની કેટલીક મહત્વની પર્યાવરણ ઝુંબેશનો હિસ્સો રહી ચૂકી છે અને તે યુનાઈટેડ નેશન્સ પર્યાવરણીય પ્રોગ્રામ માટે ગૂડવિલ એમ્બેસેડર છે. દિયા મિર્ઝા યુનાઈટેડ નેશન્સની સાથે ચોખ્ખી હવા, ચોખ્ખો દરિયો, વન્યજીવનનું રક્ષણ અને વાતાવરણમાં ફેરફાર જેવા મુદ્દે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.

દિયા મિર્ઝાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કેટલાંક વર્ષ પહેલા મારી બાળપણની દોસ્ત અનન્યાના લગ્ન પહેલાં તેણે ક્યારેય પણ કોઈ મહિલા પૂજારીને લગ્ન કરાવતા નહોતા જોયા. મારી દોસ્ત અનન્યાએ શીલા અટ્ટાને લાવીને વૈભવ અને મને ગિફ્ટ આપી છે. શિલા અટ્ટા મારી દોસ્તના આન્ટી છે અને પૂજારી છે. દિયા મિર્ઝાને એવી આશા છે કે ઘણાં કપલ્સ આ રીતે લગ્ન કરવાનું પસંદ કરશે. દિયા મિર્ઝાએ લખ્યું કે અમે કન્યાદાન અને વિદાયની વિધિ ના કરાવી, કારણકે અમે લગ્નમાં કન્યાદાન અને વિદાયની વિધિ નહીં કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બદલાવની શરૂઆત પણ આ પ્રકારની પસંદગીથી જ થાય છે ને?

તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝાના આ બીજા લગ્ન છે. અગાઉ તેણે બિઝનેસ પાર્ટનર અને ફ્રેન્ડ સાહિલ સાંઘા સાથે 2014માં લગ્ન કર્યા હતા. જો કે, 5 વર્ષ બાદ 2019માં કપલ અલગ થયું હતું. દિયા અને સાહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને છૂટા પડી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તેમણે એમ જણાવ્યું હતું કે અલગ થયા પછી તેઓ સારા મિત્રો બની રહેશે. ત્યારે બીજી બાજુ વૈભવ રેખી પણ બીજા લગ્ન કરી રહ્યો છે. વૈભવે અગાઉ જાણીતા યોગ ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી છે. દિયા મિર્ઝાના જેની સાથે લગ્ન થઈ રહ્યા છે તે વૈભવ રેખી મુંબઈનો બિઝનેસમેન અને ઈન્વેસ્ટર છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે લોકડાઉનમાં તેમણે એકબીજાની સાથે ઘણો સમય પસાર કર્યો અને એકબીજાને સારી રીતે જાણ્યા-સમજ્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution