પુણે-

મહારાષ્ટ્રના પુણેમાં ગુરુવારે સવારે કેમિકલ સોલ્વન્ટ મેન્યુફેક્ચરિંગ એકમમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ પુણે-સોલારપુર રોડ પરના કુરકુંભ ઔદ્યોગિક વસાહતમાં સ્થિત આ પ્લાન્ટમાં આગની ઘટના ઘટી હતી જાે કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

ફાયર ઓફિસર સુધિર ખંડેકરે જણાવ્યા મુજબ પ્લાન્ટની અંદરથી ૧૨ કર્મીઓ તેમજ બે કૂતરાને સુરક્ષિત રેસ્ક્્યૂ કરાયા હતા. આ ઉપરાંત કેટલાક વાહનોને પણ બહાર ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટના મોડી રાતે દોઠ વાગ્યે શિવ શક્તિ ઓક્સલેટ પ્રા. લિ.માં આગની ઘટના ઘટી હતી. મિક્સ સોલ્વન્ટ ધરાવતા ડ્રમ પ્લાન્ટમાં રાખવામાં આવ્યા હતા અને આગની જ્વાળાથી તે ફાટ્યા હતા.

આગને પગલે ફાયરને જાણ કરાતા આઠથી નવ ફાયર ટેન્કર પ્લાન્ટ પર પહોંચ્યા હતા અને સાડા ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગના બનાવને પગલે કોઈ જાનહાની થઈ હોવાનું જણાયું નથી. હાલમાં કુલિંગ પ્રક્રિયા ચાલી રહી હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પુણેના કલેક્ટર રાજેશ દેશમુખે આગની ઘટના અંગે સ્થાનિક તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.