ભૂંગળા બનાવવાના કારખાનામાં આગ : ભારે નુકસાન
29, એપ્રીલ 2023

વડોદરા, તા.૨૯

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી. રોડ ખોડિયારનગરમાં ભૂંગળાં-પાપડી બનાવતી ફેક્ટરીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળા વચ્ચે પાપડી-ભૂંગળાં ચારે બાજુ ફેલાઈ ગયાં હતાં. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના ખોડિયારનગરમાં ભૂંગળાં-પાપડી સહિતની ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં તુરંત સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફેક્ટરીમાં ભૂંગળા, પાપડી તળવા તેલ હોંવાથી આગ વિકરાળ હોઈ આગ કાબૂમાં આવી ન હતી.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા પાણીગેટ ફાયરબ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણનો ીમારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફેક્ટરીમાં ભૂંગળાં-પાપડી જેવી વસ્તુઓ બનાવવા માટેનું રો-મટીરિયલ હોવાના કારણે આગ ક્ષણોમાંજ વિકરાળ બની હતી. જાેકે આગ વધુ પ્રસરે એ પહેલાં સ્થળ પર પહોંચી ગયેલી પાણીગેટ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ચારબાજુથી પાણીમારો ચલાવી એને કાબૂમાં લેવાઈ હતી. આગથી મોટું નુકસાન થયું હોવાનું મનાય છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી.

આગના આ બનાવની જાણ વીજ કંપનીને થતાં તરત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સાવચેતીના ભાગરૂપે આસપાસનો વીજપુરવઠો બંધ કરી દીધો હતો. એ સાથે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ઘરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution