વડોદરા,તા.૧ 

શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં લગ્નની વિધિ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટતા મંડપમાં આગ લાગી હતી. આગને પગલે લગ્નપ્રસંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કિશનવાડી વિસ્તારમાં આવેલ વુડાના મકાનોમાં આજે બપોરના સમયે લગ્નની વિધિ ચાલી રહી હતી, ત્યારે જાનૈયાના જમણવાર માટે બનાવવા બનાવેલા રસોડામાં ગેસનો બોટલ ધડાકાભેર ફાટતા લગ્નપ્રસંગમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગેસનો સિલિન્ડર ફાટતા રસોડાના મંડપમાં આગ લાગી હતી. જેથી સ્થાનિક લોકોએ આગ કાબૂમાં મેળવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને આગ કાબૂમાં લીધી હતી. ગેસ સિલિન્ડર ફાટતા લગ્ન મંડપમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.