ઝાલોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામના ઇનામી ફળિયામાં પાસે રહેતા બે સગાભાઇઓના કાચા નળિયાવાળા બે મકાનોમાં અકસ્માતે લાગેલ આગમાં ઘરમાં મુકેલ ગેસનો બોટલ ફાટતાં આગ વધુ પ્રચંડ બનતા ઘરવખરી સામાન અનાજ કપડાં લતા ઘાસ, લાકડા, રોકડ તેમજ દર દાગીના સાથે બંને મકાનો સંપૂર્ણ બળીને રાખ થઈ જતા લાખોનું નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ સવારે ઝાલોદ તાલુકાના રણીયાર ગામના ઇનામી ફળિયામાં રહેતા સાવસિંગભાઈ બદીયાભાઈ પણદાના કાચા નળિયાવાળા મકાનમાં અચાનક આગ લાગી જતા ઘરમાં મુકેલ ગેસ ભરેલ બોટલ આગના કારણે ફાટતા આગ વધુ પ્રચંડ બની હતી અને પ્રચંડ બનેલી આગે પડોશમાં આવેલ સવસિંગભાઈના સગાભાઇ લાલુભાઈના મકાનને પણ લપેટમાં લેતા ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ અંગેની જાણ ઝાલોદ ફાયર સ્ટેશને કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આ આગમાં રણીયાર ગામના ઉપરોક્ત બંને ભાઈઓના ઘર અનાજ કપડાં લતા ઘરવખરી સામાન લાકડા દર દાગીના રોકડ વગેરે સાથે સંપૂર્ણ બળી જતા લાખોનું નુકસાન થવા પામ્યુ હતું. આગમાં કોઈ જાનહાની થઇ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આગ લાગવાનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી પરંતુ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાની ગામમાં ચર્ચાઓ છે.