વડોદરા,તા. ૨ 

શહેર તેમજ રાજ્યની કેટલીક ખાનગી તેમજ સરકારી કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવ બાદ પાલિકા અને ફાયર બ્રિગેડનું તંત્ર એક્શનમાં આવ્યું છે. બંને દ્વારા સંયુક્ત રીતે શહેરની વિવિધ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોના ૧૮૦૦થી વધારે કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી છે. આ સાથે આગામી ૬ઠ્ઠી ડિસેમ્બર સુધીમાં તમામ કોવિડ હોસ્પિટલોમાં તે માટેની મોકડ્રિલ પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ હોસ્પિટલોમાં એરકંડિશનર, વેન્ટિલેટર સહીત એવા સંખ્યાબંધ ઉપકરણો બંધ ન કરી શકાય તેમ હોવાથી હોસ્પિટલ દ્વારા ૨૪ કલાક ચાલુ રાખવામાં આવતા હોય છે. જેથી આવા ઉપકરણોમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની સંભાવનાઓ અનેક ગણી વધી જાય છે. શહેરમાં અગાઉ સયાજી હોસ્પિટલના કોવિડ આઇસીયુ સહીત અમદાવાદ, રાજકોટ જેવા શહેરમાં કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો બન્યા છે. તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી આગ ની ગોઝારી ઘટના બાદ શહેર પાલિકાનું આરોગ્ય ખાતું અને ફાયર બ્રિગેડ સચેત થઇ ગયું છે અને સંયુક્ત રીતે શહેરમાં આવેલી ૧૩૭ હોસ્પિટલોમાં આગની રાખવા માટે તાલીમ આપવાનો કાર્યક્રમ શરુ થઇ ગયો છે.