જૂનાગઢ, વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના સંદેશામાં આપવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લગ્નકાર્ડમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે અચુક મતદાન કરવા અપીલ કરાઇ રહી છે. આ અંગે જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું છે કે, ચૂંટણીના સમયની આસપાસ ઘણા બધા લગ્નો નિર્ધારિત હોવાથી લગ્નમાં આવો અને મતદાન કરવાની અનેક પરિવારો દ્વારા અપીલ કરાઇ  રહી છે. દરમિયાન જૂનાગઢના જયંતિભાઇ રવજીભાઇ કાચા પરિવારના ઘરે લગ્ન હોય તેમણે અનોખા પ્રકારની લગ્ન કંકોત્રી છપાવી છે. જેમાં મતદાનનું મહત્વ અને જરૂરિયાત દર્શાવવામાં આવી છે. સાથે ૧ ડિસેમ્બરે પહેલા મતદાન કરો પછી જ લગ્નમાં પધારશો તેવું પણ જણાવી મતદાન જાગૃતિ માટેના પ્રયાસો કરાયા છે. મતદારોની સંખ્યા વધે તે માટે દરેકને અપીલ પણ કરવામાં આવી છે. સાથે લગ્ન કંકોત્રીમાં એવું પણ લખાવાયું છે કે, હું તમને અપીલ કરૂં છું કે, આપનો કિંમતી મત આપીને લોકશાહીને મજબૂત બનાવો. અવસર લોકશાહીનો, અવસર મતદાનનો હોય ત્યારે મતદાન કરો અને તમે પણ લોકશાહીના સિંહ બનો. શું તમે તૈયાર છો? આ રીતે તદ્દન અનોખા અંદાજમાં લગ્ન કંકોત્રી બનાવી મતદાન વધારવા માટેનો પ્રયાસ કરાયો છે.