કાંકરીયા ધર્માંતરણ કેસમાં ચાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મજૂર
18, નવેમ્બર 2021

ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના ૩૭ પરિવારના ૧૦૦ જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં એસ.સી.એસ.ટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાએ તપાસ ચાલી રહી છે. આમોદના તાલુકાના કાંકરિયા ગામ સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ હાલના ૯ આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ધર્માંતરણમાં સામેલ ૯ પૈકીના ૪ આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવણ પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી હતી.પરંતુ પૂછપરછ માં કઈ ના મળતા તેમના આમોદ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં કોર્ટ વકીલોની દલીલો સાંભળ્યા બાદ પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં.

હિન્દુ સમાજના ગરીબ પરિવારોનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં આમોદના બેકરીવાલા બંધુ એટલે કે શબ્બીર બેકરીવાલા અને સમદ બેકરીવાલા મુખ્યસુત્રધાર હોવાનું મનાઇ રહ્યું છે. બેકરીવાલા બંધુઓએ પહેલાં અજીત છગન વસાવાને ભોળવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યુ હોવાની વિગતો મળી રહી છે.જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આમોદના કાંકરિયા ગામે છેલ્લાં ઘણા વર્ષોથી એકલ-દોકલ લોકોનું ધર્માંતરણ કરાવાતું હોવાનું અને છેલ્લાં પાંચ-છ વર્ષથી આ પ્રવૃત્તિ વધુ તેજ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના ૭ કે ૮ લોકોને ઇકો કારમાં સૂરત લઇ જઇ તેમના મુસ્લિમ નામો સાથે આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હોવાની વિગતો પણ સામે આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution