દેવગઢબારિયા

દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવાળી પર જતાં જ એકદમ વધી જતા અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં રોકેટ ગતિએ થઇ રહેલ વધારે જોતા જિલ્લાનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લામાં તમામ સ્થળોએ સાવચેતી માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

સંજેલીના મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગમાં માસ્ક વિના અવર જવર કરતા બે બાઇક ચાલકો તથા માસ્ક વિનાના ૩ દુકાનદારોને ઝડપી પાડી તેઓની પાસેથી રૂપિયા હજાર લેખે કુલ રૂપિયા ૫,૦૦૦ દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા. માત્ર વગર ફરતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરતા તાલુકાની જનતામાં ફફડાટ ફેલાવા પામ્યો છે. દિપાવલીના તહેવારોમાં બજારોમાં થયેલી ભીડ અને દિવાળીના તહેવારો ઉજવવામાં લોકોના વધુ પડતા ઉનમાદને કારણે દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર એકદમ વધી જવા પામ્યો છે અને કોરોના પોઝિટિવના કેસનો ગ્રાફ દિન-પ્રતિદિન ઉપર જતો જોવા મળતા જિલ્લાની જનતા ફફડી ઊઠી છે. જ્યારે જિલ્લાનું વહીવટી તંત્ર ચિંતિત બની એકશનમાં આવી છે અને કોરોના વાયરસથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા માસ્કનો અવશ્ય ઉપયોગ કરવા વારંવાર સાબુથી હાથ ધોવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.