02, ઓગ્સ્ટ 2021
અમદાવાદ-
ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સંવેદના દિવસને લઈને ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંવેદનહીન સરકારના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસે બેનર દ્વારા વિરોધ દરમિયાન જણાવ્યું કે, કોરોનાકાળમાં કયા પ્રકારે લોકો હેરાન થયા હતા દર્દીઓને રિક્ષામાં દરબદર ભટકવું પડયું હતું. બીજી તરફ સ્મશાન ગૃહમાં મૃત્યુની લાંબી કતારો લાગી ગઇ હતી જેને લઇને કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજે કોંગ્રેસે સંવેદનહીન સરકારના નામે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુજરાતમાં માતમ ભાજપ અડીખમ, દયાહીન ભાજપ સરકાર બરબાદ અનેક પરિવાર જેવા નારાઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના ઇન્ચાર્જ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા સંવેદનહીન સરકાર ના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ આરોગ્ય બચાવો અભિયાન કરી રહ્યું છે ગુજરાત સરકાર હોય કે પછી કેન્દ્રની ભારત સરકાર હોય તેઓને માત્ર જુઠાણા સિવાય અન્ય કોઈ બાબત પચતી નથી આ દેશની પ્રજા પણ હવે ભાજપની સરકારને જાણી ચૂકી છે. ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બીજા દિવસે આજે ગુજરાત સરકાર દ્વારા સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેને સમાંતર ગુજરાત કોંગ્રેસ દ્વારા સંવેદનહીન સરકારના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.