રાજકોટ, રાજકોટમાં ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જાેકે આ કેસમાં ૯ દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ ૧૦માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. જેની આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે દેવાયત ખવડ હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી શકે છે.

દેવાયત ખવડ અને તેના સાથી આરોપી કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા બન્નેનો જેલવાસ હજી લંબાયો છે. આ પહેલા કોર્ટે ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન કુંભારવાડિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ફરિયાદી તરફના વકીલ તુષાર ગોકાણી અને સરકાર પક્ષે સરકારી વકીલ મહેશ જાેશીની દલિલો કોર્ટે માન્ય રાખી જામીન અરજી રદ કરી છે. આગામી દિવસોમાં દેવાયત ખવડ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. સરકારી વકીલ મહેશ જાેશીએ જણાવ્યું હતું કે, આજે નામદાર કોર્ટે લોકગાયક દેવાયત ખવડ અને તેના સાગરીત કાનાએ જામીન અરજી કરી હતી. આજે તેની સુનવણી હતી અને કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત બાદ રદ કરી છે. હવે દેવાયત ખવડ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગે અથવા તો ચાર્જશીટ સુધી રાહ જાેવે તો તેટલો સમય તેને જેલમાં જ રહેવું પડશે. ફરિયાદ પક્ષ તરફથી મુખ્ય રજૂઆત એવી હતી કે, જે બનાવ બન્યો છે તેના સીસીટીવી ફૂટેજ છે. નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ થયો છે. કારની અંદર લોખંડના પાઈપ રાખવામાં આવ્યા હતા. કારને તુરંત બનાવસ્થળે પહોંચાડી બન્નેએ ઈજા પામનાર પર તૂટી પડે છે. આવા સંજાેગોમાં સમાજ પર ખોટી અસર પડે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ જામીન અરજી રદ કરાઈ છે. કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.૪૨) ૭ ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો.