બનાસકાંઠા-

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલા એક ગામમાં એક જ પરિવારના સાત જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. તેથી આ પરિવારના તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના 7 લોકોમાંથી 3 લોકોના મોત નિપજ્યા હતા અને 4 લોકોની સારવાર હાલ શરૂ છે. આ ઘટના બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલા કુંડી ગામની છે. 

આ ઘટનામાં આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે, પરિવારના સભ્યો એ રાયડાનું તેલ આરોગ્યા બાદ તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. હાલ જે ચાર લોકોની સારવાર અમદાવાદની હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમને બચાવવા માટે પણ તબીબો પોતાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાને લઇને રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર નરેશ ગર્ગનું કહેવું છે કે, ધાનેરા તાલુકામાં કુંડી ગામમાં જે બનાવ બન્યો છે તે એપેડેમિક ડ્રોપસીનો બનાવ છે. રાયડાનું તેલ કાઢતા પહેલા તેમાં દારૂડીના છોડ ભેગા થઈ ગયા હોવાના કારણે પોઈઝન પેદા થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પરિવાર રાયડાની ખેતી કરે છે અને રાયડાની આસપાસ દારૂડી નામની વનસ્પતિ ઘાસ સ્વરૂપે ઊગી નીકળે છે. જે દેખાવે રાયડા જેવી જ હોય છે અને જ્યારે ખેડૂતો રાયડાનો પાક ઉતરે છે ત્યારે ભૂલથી તેમાં દારુડીનું ઘાસ ભેગું થઇ જાય છે ત્યારબાદ તેનું તેલ કાઢવામાં આવે તો આ વસ્તુ થવાના ચાન્સ રહે છે. આ બનાવ પણ કૈંક આવી જ રીતે બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.