ભરૂચ

ભરૂચના ભાગલા એટલે કે ૨૬ વર્ષે નર્મદા જિલ્લો અલગ પડ્યા બાદ જિલ્લા પંચાયતમાં સત્તાનું એક હથ્થું સુકાન ભાજપના હાથમાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપના સુકાન બાદ પેહલી મળેલી ખાસ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ બીજી સભા બજેટની મળી હતી.

આજે ખાસ મળેલી ત્રીજી સભામાં ૮ સમિતિઓના ચેરમેન અને સભ્યો નીમવામાં આવ્યા હતા. કોવિડ ૧૯ વચ્ચે પટાંગણમાં પ્રમુખ અલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ ભરત પટેલ અને ડીડીઓ અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં વિવિધ ૮ સમિતિની રચના પેહલા ૩૪ સભ્યોના રેપીડ ટેસ્ટ કરાયા હતા. સેનેટાઇઝર બાદ કરાયેલા રેપીડ ટેસ્ટમાં તમામ ૩૪ સભ્યો કોરોના નેગેટિવ આવ્યા હતા જ્યારે મહિલા સભ્ય સાથે આવેલા તેના પતિ પોઝિટિવ આવતા ૧૦૮ બોલાવી ટેસ્ટ માટે મોકલી અપાયા હતા. તમામ સભ્યો અને બેઠકમાં હાજર અધિકારીઓ તેમજ પદાધિકારીઓને ઉકાળાનું વિતરણ સાથે સભાની શરૂઆત સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરાઈ હતી.