મહેસાણા-

હાલમાં તહેવારો શરૂ થઈ ગયા છે ત્યાં પહેલી વાર કોરોના વાયરસની મહામારીએ તહેવારોનો રંગ ફિક્કો પાડી દીધો છે. જોકે સરકાર દ્વારા ગાઈડલાઈનના પાલન સાથે કેટલીક છૂટછાટ આપતા લોકો નાની મોટી ખરીદી કરી ક્યાંક ખુશીઓ મનાવી રહ્યા છે. ત્યારે ઓનલાઈનનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. તેવામાં ઓનલાઈન ખરીદી સમયે લાલબત્તી સમાન કિસ્સો મહેસાણા તોલમાપ વિભાગની તપાસમાં સામે આવ્યો છે. જાણીતી ઓનલાઈન એજન્સી સામે મહેસાણા તોલમાપ વિભાગે કાર્યવાહી કરી છે.તોલમાપ વિભાગે વેબસાઈટ પર મુકાયેલી પ્રોડક્ટ તપાસતા નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મોબાઈલ કંપનીના મોબાઈલ ફોન પ્રોડક્ટ મામલે પણ કાર્યવાહી થઈ છે. ઓનલાઈન પ્રોડક્ટ વેચાણ મામલે રાજ્યમાં પહેલી વાર મહેસાણાના તોલમાપ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન કંપનીની સાઈટ પરથી ફેશિયલ કિટ અને પ્રિસ્ક્રબ પ્રોડક્ટ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે રાજકોટની શાહનાઝ હુસેન પ્રોડ્કટ નામની કંપની સામે પણ કાર્યવાહી થઈ છે. 

મહેસાણા જિલ્લા તોલમાપ અધકારી એન. એમ. રાઠોડ દ્વારા મહેસાણા જિલ્લા ઉપરાંત સરકારના આદેશથી રાજ્યના અન્ય જિલ્લામાં પોતાની એક્સપર્ટ ટીમ સાથે અનેક વેપારીઓ અને ઉત્પાદકો સામે કાયદાના ભંગ બદલ અસરકારક કામગીરી કરવામાં આવી છે. ત્યારે ઓનલાઈન પ્રોડક્ટમાં કયદાનો ભંગ થતો હોવાની તપાસ કરી રાજ્યમાં વધુ એક વાર મહેસાણા તોલમાપ વિભાગની ટીમે નોંધપાત્ર કાર્યવાહી કરી બતાવી છે. ત્યારે આગામી દિવસોમાં ગ્રાહકોના હિતમાં મહેસાણા તોલમાપ વિભાગ સતત ઓનલાઈન સહિત ઓફલાઈન વેપાર અને ઉત્પાદન એકમો પર ખાનગી રાહે તપાસ કરી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે તેવી તૈયારી બતાવવામાં આવી રહી છે.