રાજયમાં સૌ પ્રથમવાર ડ્રીપ ઇરીગેશનથી ડાંગરની ખેતી કરી
12, જુલાઈ 2020

અરવલ્લી,ધનસુરા,તા.૧૧ 

અરવલ્લી જિલ્લાના ધનસુરાના પ્રગતિશીલ ખેડૂત જીતેશભાઇ પટેલને જરૂર મળવુ પડે તેમણે સામાન્ય ખેડૂત કરતા અલગ ચિલો ચાતર્યો છે.  અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુરકંપાના જીતેશભાઇ પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચર વિષયમાં એમ.એમ.સીનો અભ્યાસ કર્યો કોઇ મોટી કં૫નીમાં સારા પગારની નોકરી સ્વીકારવાને બદલે પોતાના ગામમાં જ ખેતી કરવાનો નિર્ણય કર્યો  અને આજે પોતાના સંયુક્ત પરીવારની ૧૫૦ એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. આ અંગે વાત કરતા અરવલ્લીના ધનસુરાના દોલપુરકંપાના પ્રગતિશીલ ખેડૂત જીતેશભાઇ પટેલ કહે છે કે સંમયાતરે પાકની ફેરબદલી કરવી જરૂરી છે, તેનાથી જમીનના પોષક તત્વો જળવાય રહે છે. હું પહેલા બટકા અને ડુંગળી જેવા કંદમૂળની ખેતી કરતો હતો. એના પહેલા ચોમાસા દરમિયાન શાકભાજીનું પણ વાવેતર કરતો હતો પરંતુ કૃષિ વૈજ્ઞાનિકની સલાહથી મે ચાલુ સાલ પાકની ફેરબદલી કરવાનો વિચાર કર્યો અને  ડાંગરના ધરૂનું વાવેતર કર્યો, પણ અનિયમિત વરસાદની ચિંતા હતી તો ડાંગર માટે ક્યારામાં પાણી સમપ્રમાણમાં જળવાય રહે તે જરૂરી હતું. જે શક્ય હતું નહિ અને કૂવાના  પાણી દ્વારા જો કયારા ભરવામાં આવે તો પાણીના વપરાશ વધી જાય તેથી મે ટપક સિંચાઇ દ્વારા ડાંગરનું વાવેતર કરવાનું નક્કી કર્યુ અને ૫૦ વિઘામાં ટપકથી ડાંગરનું વાવેતર કર્યુ છે અને તેમાં સફળતા પણ મળી છે. વધુમાં જીતેશભાઇ પટેલ જણાવે છે કે, આ વિસ્તારની જમીન બહુ પાતળી હોય છે તેથી પાણી ક્યારા કરવા છંતા પાણી શોષાઇ જાય છે તેથી ડ્રીપથી મે વાવેતર કર્યુ જેનાથી પાણીનું ૮૦ ટકાથી વધુ બચત થાય છે.ડ્રીપ મારફતે દવાઓ આપવામાં સરળતા રહે છે. જેનાથી પાકની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી જગદિશ પટેલ જણાવે છે કે, વારંવાર એક જ પ્રકારના પાકના વાવેતરથી પાકની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે તેથી પાકની ફેર બદલી જરૂરી છે.  જેનાથી ખર્ચમાં ઘટાડો થાય છે.જીતેશભાઇ દ્વારા રાજયમાં સૌ પ્રથમ ટપક સિંચાઇ થકી ડાંગરનું વાવેતર કર્યુ છે .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution