અમદાવાદ, ભારતના ઉત્તરીય ભાગમાં સતત હિમવર્ષા થઈ રહી હોવાના કારણે ઠંડીએ માજા મુકવાનુ શરૂ કરી દીધુ છે. હીમવર્ષાની અસર તળે દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ‌વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ આજે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રીએ પહોંચી જતા નલિયા વાસીઓ ઠુંઠવાયા હતા. બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન પણ ૧૮ ડિગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ઠંડી વર્તાઇ હતી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યભરમાં વર્તમાન ઠંડીનું મોજુ જ‌ળવાઇ રહેશે. પંરતુ ત્યાર બાદ ઠંડી વધવાની વકી છે. આ વર્ષે શિયાળો સમય કરતા મોડો શરૂ થયો છે ત્યારે છેલ્લા પંદર દિવસથી શિયાળો પોતાના પરચો બતાવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને રણને સમાંતર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જાેરદાર ઠંડી પડી રહી છે. સામાન્ય રીતે દરિયા કાંઠાના વિસ્તારમાં લઘુતમ તાપમાન અન્ય શહેર કરતા સામાન્ય ઉંચુ રહે છે ત્યારે કેટલાક દિવસોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો નીચે સરકી રહ્યો છે. કંડલામાં ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. આ બંદરીય મથકોએ પવનની સરેરાશ ઝડપ પણ ૮થી ૧૦ કિ.મી પ્રતિ કલાકે રહેતાં વહેલી પરોઢે ઠંડક વર્તાઇ હતી. બીજી તરફ દિવસનું તાપમાન પણ સતત ઘટી રહ્યું છે. જેના કારણે લોકોને દિવસે ગરમીથી છુટકારો મળી ગયો છે.