ભુજ, કચ્છ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી જનજીવન પર તેની માઠી અસર જાેવા મળી રહી છે. પક્ષીઓથી લઈ પશુઓ અને શ્રમજીવી વર્ગને ઠંડીની ઋતુમાં વરસાદી પાણીનો માર સહન કરવો પડી રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ સુધી જિલ્લાના બન્ને વિભગમાં વાતાવરણ ધૂંધળું બની ગયું છે. ભુજ, ગાંધીધામ, ભચાઉ, માંડવી, અંજાર, રાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી રસ્તાઓ ભીના થયા છે. ભુજમાં ગુરૂવારે મધ્યરાત્રીએ હળવા ઝાપટા પડ્યા બાદ પરોઢે ૫ વાગ્યે જાેરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. સવારના ૮ થી ૯ એક કલાક સુધી સતત કમોસમી વરસાદ વરસતા વણીયાવાડ સહિતના માર્ગો પર પાણીના ધોધ વહી નીકળ્યા હતા. ભુજ તાલુકના દેશલપર, વંઢાય, રામપર વેકરા, ગોડપર, માધાપર વગેરે સ્થળોએ માવઠું પડ્યું હતું. તો બંદરિયા શહેર માંડવી ખાતે પણ વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું.પૂર્વ કચ્છના અંજાર શહેર અને તાલુકાના ભીમાસર ગામે પણ માવઠું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આદિપુર, અંતરજાળ અને ગાંધીધામ વિસ્તારમાં પણ સવારથી ઝરમર વરસાદ વરસ્યો હતો. ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના સામખીયાળી, લાલીયાના, વાંઢિયા, જંગી, કટારીયા ગામમાં પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. રાપર નગરમાં પણ સવારે માવઠું પડતા વાતાવરણમાં ભીનાશ છવાય હતી.કમોસમી વરસાદને લઈ ખેડૂતો દયનિય સ્થિતિમાં મુકાયા છે. ખેતરમાં રહેલા ઉભા પાકને તેની વ્યાપક આડ અસર પહોંચી રહી છે. ખેતીમાં કરેલું લાખો રૂપિયાના રોકાણનું ધોવાણ થઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લામાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમોમાં પણ વરસાદની અસર જાેવા મળી છે. ભાગવત કથાના આયોજન પર પણ વરસાદની અસર જાેવા મળી રહી છે. ભચાઉ તાલુકાના લીલીયાના ગામના કથાકાર શાસ્ત્રી મનસુખપ્રસાદ ગોરે જણાવ્યું હતું કે, ગાંધીધામથી વોન્ધ સુધીના ધોરીમાર્ગ પર એકધારો ધીમીધારે ઝરમર વરસાદ ચાલું છે. ભચાઉ અને તાલુકાના વામકા, લાખવટ , શિકારપુર, આધોઇ, શિકરા ગામે ભાગવત કથાના આયોજન હાથ ધરાયા છે, જ્યાં કમોસમી વરસાદની અસર પહોંચી શકે છે.જિલ્લાના દરેક તાલુકામાં ખુલ્લામાં રહેતા અનેક ગરીબ પરિવારો, મજૂર વર્ગને ઠંડીની મોસમમાં વરસાદ પડવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પક્ષીઓને પણ ઠંડીમાં વરસાદના પાણીથી થરથર કાપવાનો વારો આવ્યો છે.