વિદેશી કામદારોને કંપનીના સ્પોન્સર વિના ગ્રીન વિઝા જારી કરાશે: UAE
06, સપ્ટેમ્બર 2021

સંયુક્ત આરબ અમિરાત-

દેશના ઉદ્યોગ અને એડવાન્સ ટેકનોલોજી પ્રધાન સુલતાન અલ જાબેરે જણાવ્યું હતું કે યુએઇ સરકાર અને અમીરાત ડેવલપમેન્ટ બેન્ક ઔદ્યોગિક ટેકનોલોજી અને ટેકનોલોજી-હેવી સેકટરમાં પાંચ અબજ દિરહામનું રોકાણ કરશે. રાજ્યકક્ષાના મંત્રી સારાહ અલ-આમિરીએ પણ જણાવ્યું હતું કે યુએઇ આગામી ૫૦ વર્ષમાં વિવિધ ઉદ્યોગ મોરચે ગ્લોબલ પ્લેયર બનવાની યોજના ધરાવે છે. દેસના અનેક સેકટર વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક બને તે માટે પ્રયાસ થશે. યુએઇએ ગયા વર્ષે એક વધુ ગોલ્ડન વિઝાની કક્ષા જાહેર થઇ હતી. તે વિઝા ૧૦ વર્ષની રેસિડન્સીની મંજૂરી આપે છે. આ પગલાંને કારણે યુએઇ આર્થિક વૃદ્ધિમાં ૧ ટકાનો વધારો કરી શકે તેમ છે.

સંયુક્ત આરબ અમિરાતે ઔદ્યોગિક વિકાસ માટે પાંચ અબજ દિરહામ (૧.૩૬ અબજ ડોલર)ના રોકાણ સહિતની ૫૦ જેટલી નવી યોજના ઘડી કાઢી છે. યુએઇના સરકારી અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે ટેક્નોલોજી મોરચે રોકાણ, વિદેશી રોકાણને આકર્ષવાની તેમજ રેસિડેન્ટ્‌સ અને કૌશલ્ય ધરાવતા કામદારોને આકર્ષવા માટેની નવી વિઝા નીતિ વિષે જાણકારી આપી હતી. યુએઇએ ગયા વર્ષે પણ કોવિડ-૧૯ મહામારીના મારમાંથી અર્થતંત્રને બેઠું કરવા માટે વિદેશી રોકાણ અને વિદેશીઓને આકર્ષવા માટે સંખ્યાબંધ પગલાં લીધાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્રીલાન્સર માટે તેમજ કૌશલ્ય ધરાવતા કામદારો માટે બે વિઝા કેટેગરી યોગ્ય કૌશલ્ય ધરાવતા વિદેશીઓને આકર્ષવામાં મદદ કરશે. હાલમાં યુએઇમાં વિદેશીઓને રોજગારી સાથે સંકળાયેલા અને થોડા વર્ષ જ ચાલે તેવા રિન્યૂએબલ વિઝા આપવામાં આવે છે. પરંતુ કૌશલ્ય ધરાવતા કામદારોને અપાનારા નવા ગ્રીન વિઝા પરિવારના સભ્યોને સ્પોન્સર કરવાની ફ્લેક્સિબિલિટી પણ ધરાવે છે. તે વિઝા એક રોજગારીની મુદત પૂરી થતાં નવી રોજગારી મેળવવા માટે સમય પણ આપશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution