પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વળતો પ્રહાર મારી પ્રતિષ્ઠા, લોકપ્રિયતાથી કોંગ્રેસ હતાશ બની
29, એપ્રીલ 2022

રાજકોટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂ. ૫૦૦ કરોડનો કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતાઓને જવાબ આપ્યો છે. અર્જુન મોઢવાડિયાએ કરેલા આક્ષેપો પર રૂપાણીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, ભ્રષ્ટ કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચારનો આરોપ શોભતો નથી, તેઓ કારણ વગર કોઈ આક્ષેપ ન કરે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરતમાં રિઝર્વ પ્લોટ મામલે આક્ષેપો કરેલા પરંતુ તેમની વાતને કોઈએ ધ્યાન ન આપતા આપ સૌને હું ધન્યવાદ આપું છું. મીડિયાએ પણ એમની વાતને પ્રાધાન્ય ન આપ્યું એ સત્યથી વેગળી હતી. કોંગ્રેસ દિલ્હીથી મળીને અહીંયા સુધી નિરાશ બની ગઈ છે અને કોંગ્રેસ બેબાકળી,હતાશ બની ગઈ છે. કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં નથી માટે ખોટા આક્ષેપ કરે છે. સુરતની જમીનો અમે બચાવી છે. મારા સંપર્કો અને મારી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ ઢંગધડા વગરના આક્ષેપ કરે છે. કોંગ્રેસ ૨૭ હજાર કરોડની જમીન જમીનદારો અને બીલ્ડરોને આપી હોવાનો આક્ષેપ કરી રહી છે. પરંતુ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની સ્થાપના ૧૯૭૮માં થઈ અને ૧૯૮૨માં ટીપી પ્લાન પાસ થયો. રૂપાણીએ જણાવ્યું કે, અમારી સરકારે સુડામાં કિંમતી જમીન બચાવી છે. જેમાં કોંગ્રેસ ભષ્ટ્રાચારના આક્ષેપો કરી શકે નહી. મારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાથી અકળાઈને કોંગ્રેસ આમ કરી રહી છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના ૧૯૭૮ માટે કરવામાં આવી હતી. જ્યાં ૧૯૮૬ માં પ્રથમ ટીપી બનાવી અને ૧૮૬ પ્લોટ રિઝર્વ રાખવામાં આવ્યા હતા. રૂપાણીએ ૨૭૦૦૦ કરોડના ભષ્ટ્રાચારના આક્ષેપો સામે પોતે ૨૭૦૦૦ કરોડની જમીન સુડાની બચાવી હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભાજપ અને મારી ઈમેજ બદનામ કરવાની કામગીરી કોંગ્રેસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, મારા સમયે ૨૦૨૦માં રીવાઈઝ ટીપી કરવામાં આવી, ૧૯૮૬થી ૨૦૨૦ સુધી કોઈ ઝાઝુ કામ ન થયું હતું. અધિકારીઓના સૂચન પર ટીપી મંજૂર થઈ પણ બે ભાગમા મંજૂર થઈ હતી. બધા લોકો સાથે બેસી રીઝર્વેશન રદ્દ કર્યું. ત્યારબાદ અમારી પાસે ટીપી લઈને આવ્યા અને ટીપીમાં સરકારને ૫૦ ટકા જમીન મળી. અમે ૨૭ હજાર કરોડની જમીન બચાવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution