ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવર જવર ચાલી રહી છે, તેમાં ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાવાનો સિલસિલો વધી ગયો છે. આજે કોંગ્રેસના વધુ એક નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો છે. પૂર્વ ધારાસભ્ય બારિયાએ પણ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિકાસની રાજનીતિ નો રાગ આલાપ્યો હતો.

કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જાેડાયા છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ બારિયાએ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જાેડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારિયા તેમના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. આ અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે તેમને કેસરિયો ખેસ અને કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંતિજન પૂર્વ ધારાસભ્ય બારિયા સાથે હડમતીયા, ઉંછા, છાડરદા ગ્રામ પંચાયત સહિત વિવિધ ગામના સરપંચો, કોંગ્રેસના આગેવાન, સહકારી આગેવાનો પણ પણ ભાજપમાં જાેડાયા હતા.