દેવગઢ બારિયા, ઝાલોદ, ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તથા કાઉન્સિલર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે થયેલી હત્યાનું કારણ ઝાલોદ પાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર હોવાનું જ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ગઈકાલે રવિવારે ઝાલોદ ડીવાયએસપી કચેરીના ખાતમુહૂર્ત ટાણે ઝાલોદ આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વ.હિરેન પટેલના નિવાસસ્થાને જઈ સ્વજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. આ વાતને હજી ૨૪ કલાક પણ ન થયા ત્યાં તો પતિના અકાળે થયેલ અવસાનથી ઘેરા આઘાતમાં સરી પડી માંદગીના બિછાને પડેલા હિરેન પટેલની ધર્મપત્નીનું લાંબી માંદગી બાદ સોમવારે સવારે અવસાન થતાં પરિવારમાં માત્ર એક જ પુત્ર રહી જતા તેના માથે દુઃખનો પહાડ તૂટી પડતાં નગરજનોએ તેને સાંત્વના પાઠવી આવેલ દુઃખની ઘડીયોમાં સહન કરવાની શક્તિ આપવા ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ત્રણ માસ પહેલા કાઉન્સિલર હિરેન પટેલની વહેલી સવારે મોર્નિંગ વોકમાંથી પરત ઘરે આવતા રસ્તામાં જ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીની ટક્કર મારી હત્યા કરવામાં આવતા પતિના મોતના આઘાતમા સરી પડેલ ધર્મપત્ની બીનાબેન માંદગીના બિછાને પડ્યા હતા.ગૃહમંત્રીની મુલાકાતના બીજા જ દિવસે વહેલી સવારે બીનાબેનનું ત્રણ માસની લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. ત્યારે ત્રણ માસમાં જ એક જ પરિવારના બે સભ્યોના અકાળે થયેલ મોતના પગલે ઝાલોદ પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઇ છે. બીજી તરફ પાલિકાથી લઇ વિધાનસભા સુધી ભાજપની સત્તા હોવા છતાં ત્રણ માસ પૂર્વે ભાજપના અગ્રણી અને આગેવાનની હત્યા બાદ પણ ન્યાય માટે તરસી રહેલા પરિવારજનોને ભાજપ ન્યાય ન અપાવી શકી હોવાની લાગણીઓ સાથે સત્તાધારીઓ સામે વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે. ઝાલોદ નગર પાલિકામાં તખ્તો પલટાતા સત્તા ભાજપની તરફેણમાં લાવ્યાના એક માસમાં જ પાલિકાની સત્તામાં જેનો મહત્વનો ફાળો રહ્યો હતો એવા હિરેન પટેલની હત્યા કરી દેવાઇ હતી. ત્યારબાદ માત્ર ત્રણ માસમાં તેમના પત્ની બીનાબેનનું લાંબી માંદગી બાદ અવસાન થતાં હિરેન પટેલનો હસતો રમતો પરિવાર આમ સત્તાની બલિ ચડી ગયો હતો.