સુરેન્દ્રનગર અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્નપ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા હળવદના યુવકોની સ્વિફ્ટ કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ ઉપર જઈ રહેલા આઈસર સાથે અથડાઈ હતી. જેથી ચાર યુવકોનાં મોત થયાં છે. તેમજ ૩ યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાત્રીના જમવા માટે હોટલમાં ગયા ત્યાંથી પરત હળવદ પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં આવી રહેલી આઈસર સાથે અથડાતાં કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તમામ મૃતકોના નામ

કરસનભાઈ ભરતભાઈ, ઉ.વ. આશરે ૨૩

કિરણભાઈ મનુભાઈ, ઉ.વ. આશરે ૧૮

ઉમેશભાઈ જગદીશભાઈ, ઉ.વ. આશરે ૧૫

કાનાભાઇ ભુપતભાઇ, ઉ.વ. આશરે ૧૮

સારવાર હેઠળ લોકોના નામ

અમીતભાઈ જગદીશભાઈ

કાનાભાઈ રાયધનભાઈ સુરેલા

સુરેશભાઈ શંભુભાઈ ધામેચા