20, ફેબ્રુઆરી 2021
ભુજ-
કચ્છ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરી-લૂંટની ઘટનાઓને અંજામ આપનાર ઈરાની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદર પોલીસે ઝડપી પાડેલા ચાર શખ્સોનો કબજો ભુજ બી-ડિવિઝન પોલીસે મેળવ્યો છે. ભુજના માધાપર તેમજ ભચાઉમાં થયેલી સોનાની બંગડીઓની લૂંટની ઘટનાના ભેદ ઉકેલાયા છે. આ ઉપરાંત ર૦થી વધુ ચોરી-લૂંટના બનાવોના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત ઓક્ટોબર માસમાં ભુજના માધાપરમાં અને ભચાઉના રામવાડી વિસ્તારમાં મહિલાઓ પાસેથી સોનાની બંગડીઓની લૂંટ ચલાવાઈ હતી. એક જ દિવસે વહેલી સવારે માધાપરમાં અને બપોરે ભચાઉમાં લૂંટનો બનાવ બન્યો હતો. આ ઘટનાઓને અંજામ આપનાર ઈરાની ગેંગના ચાર સાગરીતો ઝડપાયા છે.
બનાવ અંગે ભુજ બી-ડિવિઝન પીઆઈ શ્રી વસાવાએ જણાવ્યું હતું કે, માધાપરમાં વૃદ્ધાને આગળ પોલીસની ચેકિંગ ચાલુ છે તેવો ભય દેખાડી તેના હાથમાંથી સોનાની ચાર બંગડીઓ ઉતારીને આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટનાને અંજામ આપનાર આરોપી સુલતાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ અહેમદખાન ઈરાની, ઈસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઈરાની, મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઈ યાસીનઅલી ઉર્ફે કાજી જાફરી ઈરાની તેમજ રજાઅલી કુરબાનઅલી ઈરાનીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા ચાર શખ્સ પૈકી એક મહારાષ્ટ્રનો અને ત્રણ મધ્યપ્રદેશના વતની છે. આરોપીઓને પોરબંદર પોલીસે ઝડપી પાડ્યા હતા. જેની પુછતાછમાં માધાપરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપતા પોરબંદર પોલીસે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને પગલે સ્થાનિક પોલીસે આરોપીઓનો કબજો મેળવી તપાસ આદરી છે.