સુરત-

સુરતમાં સ્પામાં ઘૂસી જઈને રોકડ તેમજ મોબાઇલ, દાગીના લૂંટી લેવાની બે ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતેના એક શોપિંગ સેન્ટરમાં આવેલા સ્પામાં છરીની અણીએ લૂંટ ચલાવવાની ઘટના બની હતી. તેની ગણતરીની કલાકો બાદ મોડી સાંજે પરવત પાટીયા કિષ્ના સર્કલ પાસે સીલીકોન વ્યૂ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં ત્રાટકેલા ત્રણ લૂંટારૂઓએ સ્પાના સંચાલક અને તેના માણસને છરો બતાવીને ૯,૧૦૦ રૂપિયા લૂંટી લીધા હતા. આ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે કુલ ચાર આરોપીની ઓળખ કરી હતી. આ મામલે ઉંમરા પોલીસે એક અને લિંબાયત પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલા સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રુંગટા શોપિંગ સેન્ટરમાં આવેલા સ્પા-મસાજ પાર્લરમાં ચાર જેટલા ઈસમો દાખલ થયા હતા. તમામ લોકોએ માસ્ક પહેર્યું હોવાથી સ્પા સંચાલિકા મહિલા કંઈ સમાજે તે પહેલા આ ઈસમોએ છરાની અણીએ મોબાઈલ ફોન, દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૨૮,૬૦૦ની મત્તાની લૂંટ કરી હતી. આ સમગ્ર ઘટના સ્પા ખાતે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ આ અંગેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. આ ઘટનાની ગણતરીના કલાકમાં જ શહેરના પુણા વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી.

પાંડેસરા શિવનગરની પાસે આકાશભૂમી એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્ર રામહીત ગુપ્તાએ કોરોનાને લીધે રીક્ષાનો ધંધો બંધ કરી પરવત પાટીયા ક્રિષ્ના સર્કલ પાસે સીલીકોન વ્યૂ કોમ્પ્લેક્ષમાં રાહુલ ઉર્ફે પીન્ટુ સાથે સ્પા શરૂ કર્યું હતું. સોમવારે સાંજે તેઓ બંને સ્પામાં બેઠા હતા તે વખતે ત્રણ અજાણ્યા યુવકો સ્પામાં આવ્યા હતા. ત્રણેયએ ક્્યા હે રે? ક્્યુ ચાલુ કીયા? કિસ કો પૂછા? હમસે ક્્યું નહીં મીલે? કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા.