સ્પોર્ટસ કારમાં લેબ્રાડોર ડોગ અને દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા
20, જાન્યુઆરી 2021

વડોદરા, તા. ૧૯ 

એલસીબીની ટીમે કરજણ તાલુકામાં ભરથાણ ગામની સીમમાં ટોલનાકા પાસે બાતમીના આધારે આજે બપોરે વોચ ગોઠવી હતી અને એક ઈક્કો સ્પોર્ટસ કારને આંતરી હતી. કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં લેબ્રાડોર ડોગ હોઈ પોલીસે પેટ ડોગને સાઈડમાં લેવડાવી કારમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારના બોનેટના ભાગે તેમજ ડેકીમાં ચોરખાનુ બનાવીને છુપાવેલી વિદેશી દારૂની ૫૭ બોટલો મળી હતી. પોલીસે ૪૪ હજારની કિંમતની દારૂની બોટલો કબજે કરી કારમાં બેઠેલા ડ્રાઈવર શ્યામસુંદર મીઠ્ઠુલાલ શર્મા (હરિદર્શન સોસાયટી, કઠવાડારોડ, અમદાવાદ), ધર્મેન્દ્ર રામકુમાર ભદોરિયા (બાપાશ્રીપાર્ક, નવાનરોડ, અમદાવાદ), હરગોવિંદ રામદાસ પંચાલ (નિર્ણયનગર, ચાંદલોડિયારોડ, અમદાવાદ) અને દિપ્તીબેન મુકેશભાઈ વ્યાસ (ઉમાકોલોની, વાઘોડિયારોડ, વડોદરા)ની અટકાયત કરી હતી.

પોલીસે ચારેય પાસેથી દારૂનો જથ્થો, પાંચ મોબાઈલ ફોન અને કાર સહિત ૭.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પુછપરછમાં કારમાં તેઓની સાથે મુસાફરી કરતા લેબ્રાડોર ડોગ શ્યામસુંદરની માલિકીનું હોવાની તેમજ મહિલા સહિત ચારેય જણા દમણ ફરવા ગયા હતા જયાં તેઓએ દુકાનમાંથી છુટ્ટક છુટ્ટક દારૂની બોટલો ખરીદી અને તે અમદાવાદ ખઆતે શ્યામસુંદરના ઘરે વેંચાણ માટે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેયની અટકાયત કરી ડોગને શ્યામસુંદરના પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution