ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા બેનાં મોત નીપજ્યા
11, જુન 2021

ભરૂચ, ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં કોરોના કેસોમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વસ્તુઓ લગભગ ત્રણ મહિના બાદ ખુલ્લી મુકવામાં આવે છે. લોકો જાણે અકળાઈ ગયા હોય તે રીતે ઘરની બહાર નીકળી ગયા છે ત્યારે ગતરોજ બપોર પછીના સમયે કબીરવડ ખાતે ચાર યુવાનો ડૂબ્યા હોવાની હોનારત સર્જાઈ હોવાની વાતો ફેલાય હતી. ભરૂચ જિલ્લના કબીરવડ ખાતે લોકો કોરોના મહામારીથી જાણે મુક્ત થઈ ગયા હોય તે રીતે નર્મદા નદીમાં ચાર યુવાનો નાહવા માટે કૂદી પડ્યા હતા. તે ચારેય યુવાનો તેમની મોજમાં હોવાથી પાણીનો વેગ વધતાની સાથે ચાર યુવાનો પાણીના વહેણમાં તણાયા હતા. યુવાનો બૂમો પાડતા હોવાથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરતા આવડતું હોય તેવા યુવાનોએ ભારે મહેનત કરી ચારમાંથી બે યુવાનોને કિનારા સુધી ખેંચી લાવ્યા હતા અને તેના શરીરમાંથી પાણી કાઢવાની કોશિશ કરી કરી હતી, પરંતુ બંને યુવકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય બે ની શોધખોળ કરવામાં આવી પરંતુ તે લોકો સફળતા ન મળતા આખરે ગામ લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને હવે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની શોધખોળ પોતાના હસ્તે લેશે. ડૂબેલા યુવાનો મૂળ રાજસ્થાનના જાેધપુરના ફર્નિચરના કારીગર જેઓ હાલ ભોલાવ ગામમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની એક હોટલમાં ફર્નિચર બનવવાના કામ અર્થે આવ્યા હોય હંમેશાની જેમ ગતરોજ અમાસના દિવસે કારીગરો કામ ઉપરથી રજા પાડતા હોય છે, રજાનો લાભ લઇ તેઓએ ફરવા જવાનું નક્કી કરતા તેઓ કબીરવડ ખાતે નહાવા આવી પહોંચ્યા હતા. જેમાં ડૂબેલા ચાર યુવાનો પૈકી દેવારામ અને ગણેશારામની લાશ મળી આવી હતી. જ્યારે બસ્તી રામ અને નેમા રામની શોધખોળ ભરૂચ ફાયર બ્રિગેડની ટિમ દ્વારા ચાલવાઈ રહી છે. ગતરોજ અમાસ હોય તેમજ નર્મદા નદીમાં મોટી ભરતી આવતી હોય પાણીના વેગનો કરંટ પણ ઘણો વધુ હોય છે તેમજ નદી હાલ બે કાંઠે વહેતી હોય ફાયર ફાઈટરોને ખોવાયેલ યુવાનો શોધવામાં તકલીફ પડી રહી છે સાથે જ આસપાસના ગામના માછીમારો પણ પોતાની બોટ લઈ શોધખોળ ચલાવી રહ્યા છે. બંને આશાસ્પદ યુવાનોની કોઈ ભાર મળી નથી. કોરોના કેસોમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution