પેરીસ-

થોડા દિવસ પહેલા ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલા બાદ યુરોપમાં હંગામો મચ્યો છે. આ દરમિયાન ફ્રાન્સે આતંકવાદી સંગઠન અલ કાયદા પર કાર્યવાહી કરી છે. ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર ફ્રેન્ચ સેનાએ માલીમાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં 50 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

આ સિવાય લગભગ ચાર આતંકવાદીઓને જીવંત પકડવામાં આવ્યા છે. ફ્રાન્સમાં, પ્રોફેટ મોહમ્મદના કાર્ટૂન બનાવવાના વિવાદ પછી ઘણા શહેરોમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની હતી. જે બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકરોને ચેતવણી આપી હતી કે તેઓ હિંસાને ટેકો આપતા નથી અને આવું કરનારાઓને પાઠ ભણાવવામાં આવશે.

ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લેના જણાવ્યા અનુસાર 30 ઓક્ટોબરે ફ્રેન્ચ સૈન્યએ માલીમાં હવાઈ હુમલો કર્યો છે જેમાં પચાસથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને હથિયારોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. આ સિવાય ચાર આતંકીઓને જીવંત પકડવામાં આવ્યા છે. ફ્રાંસ દ્વારા સોમવારે જ આ હવાઇ હુમલો અંગેની માહિતી શેર કરી હતી. મળતી માહિતી મુજબ આ સ્થળોએથી વિસ્ફોટક, સુસાઇડ વેસ્ટ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

ફ્રેન્ચ સેનાએ પશ્ચિમ આફ્રિકાના બુર્કીના ફાસો અને નાઇજરની સરહદો પર આ કાર્યવાહી કરી છે, જ્યાં ફ્રેન્ચ સૈન્ય ઇસ્લામિક આતંકવાદ સામે લડવામાં મશગૂલ છે. ફ્રેન્ચ સૈન્યએ મિરાજ જેટ, ડ્રોનનો આશરો લીધો અને ત્રીસથી વધુ મોટરસાયકલોનો નાશ કર્યો જેનો આતંકી આવન-જાવન કરતા હતા. ફ્રાંસની સરકારના જણાવ્યા અનુસાર આ આતંકીઓની અલ કાયદા સાથે સંબંધો હતા. આ લોકો ઇસ્લામ અને મુસ્લિમ સંગઠનોના જૂથ માટે કામ કરતા હતા. તે સમયે જ્યારે આતંકીઓ મોટરસાયકલ પર ઝુંડમાં જઇ રહ્યા હતા, ત્યારે ફ્રેન્ચ સૈન્યએ તેમને જોયો અને પછી ડ્રોનના માધ્યમથી હુમલો કર્યો.