/
બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝીના નામે ૩૧ લાખની છેતરપિંડી

આણંદ : નડિયાદના યુવક સાથે બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝી અપાવવાની લાલચ આપી ઓનલાઇન પૈસા ભરાવી ફ્રેન્ચાઇઝી નહીં આપી રૂ.૩૧,૨૪,૩૦૦ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતાં આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

મળતી વિગતો અનુસાર, નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર સાધના સોસાયટીમાં રહેતાં પ્રતીકભાઈ રાકેશભાઈ અમીન નડિયાદની ડીડી યુનિવર્સિટીમાં લેબ આસિ. તરીકે ફરજ બજાવે છે. ગત ડિસેમ્બર, ૨૦૧૯માં તેઓએ બર્ગરકિંગ ઇન્ડિયા નામની વેબસાઇટની વિઝિટ કરીને નડિયાદમાં બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝી લેવા માટે ઇન્કવાયરી કરી હતી. તેઓએ પોતાનું નામ અને વિગતો ભરી ફોર્મ સબમીટ કર્યું હતું. ત્યારબાદ તા.૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ તેઓના મોબાઈલ ફોન પર હિન્દી ભાષામાં બોલતાં એક શખસે પોતે બર્ગરકિંગ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ઈ-મેઇલમાં મોકેલેલું ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજાે એટેચ કરી મેઇલ કરવા જણાવ્યું હતું, જેથી પ્રતિકભાઈએ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજાે સાથે ઈ-મેઈલ કર્યો હતો. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ ડીટેઇલ માગી હતી. એ પછી બેંક સ્ટેટમેન્ટની કોપી, પ્રોપર્ટી ફોટોગ્રાફસ, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની ડીટેઈલ મોકલી આપી હતી.

ફરિયાદમાં જણાવ્યાં મુજબ, અજાણી વ્યક્તિએ ફોનકરીને રજિસ્ટ્રેશન ફી પેટે રૂ.૧,૦૬,૨૦૦ ભરવા જણાવ્યું હતું. આ પૈસા રિફંડ મળશે, તેવી બાયધરી પણ આપી હતી. ઈ-મેઈલ દ્વારા મળેલાં ફ્રેન્ચાઇઝી એપ્રૂવ લેટર અને અનપેડ ઇન્વોઇસમાં બર્ગરકિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મુંબઈની અંધેરી (ઈસ્ટ)ની ફેડરલ બેંકનું એકાઉન્ટ નંબર આપવામાં આવ્યું હતું. આ એકાઉન્ટમાં તા.૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ૫૦ હજાર, તા.૨૮ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ ૬ હજાર અને અન્ય ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતાં, જેની પેઇડ ઇન્વોઇસ ઇ-મેઇલથી મોકલી આપી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે, ફ્રેન્ચાઇઝી ફી તરીકે ૧૨.૫૦ લાખ ભરવા જણાવતાં પ્રતીકભાઈએ તેઓનું ટાઉન નાનું હોવાથી આ ફી વધુ હોવાનું જણાવ્યું હતું, જેથી ત્યારબાદ સિદ્ધાર્થ નામની વ્યક્તિએ ફોન કરી ફ્રેન્ચાઇઝી પેટે ૮.૭૫ લાખ ભરવા પડશે, તેમ જણાવતાં આખરે પ્રતીકભાઈએ રૂ. ૮.૭૫ લાખ અગાઉ અપાયેલાં બર્ગરકિંગના એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. ત્યારબાદ ટ્રેઇનિંગ ફી પેટે રૂ.૧.૫૫ લાખ પણ જમા કરાવ્યાં હતાં. તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ નડિયાદ ખાતે રામબરન નામની વ્યક્તિએ આવીને પોતે બર્ગરકિંગ મુંબઈથી આવ્યો હોવાની ઓળખ આપી હતી. જે જગ્યાએ બર્ગરકિંગ શરૂ કરવાની હતી, તે દુકાનનું માપ લઈ ઇક્વિપમેન્ટ પેટે રૂ.૧૩.૫૭ લાખ ભરવા જણાવ્યું હતું. કેસ એન્ડ ઇન્વેન્ટરી પેટે રૂ.૬,૩૧,૦૦૦ જમા કરાવ્યાં હતાં. પ્રતીકભાઈએ ફ્રેન્ચાઇઝી લેવાં માટે થોડાં થોડાં કરીને કુલ રૂ.૩૧,૨૪,૩૦૦ બર્ગરકિંગના એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં.

તા.૬ માર્ચ, ૨૦૨૦થી તમામ ફોન સ્વીચઓફ થઈ ગયાં હતાં અને ઇ-મેઇલ આઇડી પણ બંધ થઈ ગયાં હતાં, જેથી આ બાબતે બર્ગરકિંગમાં લીગલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધતાં તેઓએ આવી કોઈ ફ્રેન્ચાઇઝી આપતાં ન હોવાનું જણાવ્યું હતું, જેથી બર્ગરકિંગના નામે પોતાની સાથે ફ્રેન્ચાઇઝી આપવાના નામે રૂ.૩૧,૨૪,૩૦૦ની છેતરપિંડી થઈ હોવાનું જણાતાં આ બનાવ અંગે પ્રતીકભાઈ રાકેશભાઈ અમીને નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બર્ગરકિંગના નામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનારાઓ ફોનધારક, ઇ-મેઇલ ધારક અને સિદ્ધાર્થ નામની વ્યક્તિ સહિતનાઓ વિરુદ્ધ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution