11, જુલાઈ 2025
1980 |
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એ માછીમારી બોટોના બનાવટી રજીસ્ટ્રેશન અને લાયસન્સ સંબંધિત એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં બોગસ બિલો અને નકલી દસ્તાવેજાેના આધારે જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન કરીને કરોડો રૂપિયાનું નાણાકીય નુકસાન કરવામાં આવ્યું હતું. આ કેસમાં દ્વારકા અને ભાવનગર જિલ્લામાંથી અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના નિવૃત્ત ગુજરાત મેરીટાઇમ બોર્ડ સુપરિન્ટેન્ડેન્ટ તરુણ રાજપુરા સહિત કુલ ૧૪૫ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કૌભાંડની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ બનાવટી દસ્તાવેજાે અને બોગસ બિલોનો ઉપયોગ કરીને જૂની અને નોન-ઓપરેશનલ માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજીસ્ટ્રેશન દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને નાણાકીય લાભ મેળવવામાં આવ્યો હતો. આ કૌભાંડનું કદ કરોડો રૂપિયામાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. દ્વારકા અને ભાવનગર જિલ્લામાં એક સાથે ઝડપી કાર્યવાહી કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ભાવનગરની બે પેઢીઓના માલિકો, ચાર એજન્ટો અને ૫૦ માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ તરુણ રાજપુરા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, જેઓ આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું મનાય છે. પોલીસે કુલ ૧૪૫ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં બનાવટી દસ્તાવેજાે બનાવવા, તેનો ઉપયોગ કરવો અને સરકારી તંત્રને નુકસાન પહોંચાડવાના આરોપોનો સમાવેશ થાય છે.