08, નવેમ્બર 2020
વડોદરા
જન્મજાત બહેરામૂંગા પાંચ વર્ષની ઉંમરના બાળકો માટે ગુજરાત સરકારના સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈએનટી વિભાગ દ્વારા કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી તદ્દન નિઃશુલ્ક આજરોજ કરવામાં આવી હતી. શહેરમાં રહેતા ચાર વર્ષીય બાળક વિહાન માછી અને ભરૂચ નિવાસી ત્રણ વર્ષીય બાળકી શિવાંગી વસાવા જન્મથી જ મૂકબધિર છે. આ બંને બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી ઈએનટી વિભાગના વડા એચઓડી અને સયાજી હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. ડો. રંજન ઐયર અને ડો. નીરજ સુરીના મેન્ટરશીપ હેઠળ કરવામાં આવી છે. ઈએનટીના વડા ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારના બાળકોના ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં સાતથી દસ લાખ થતો હોય છે પણ ગુજરાત સરકારના પ્રોગ્રામ અંતર્ગત આ ઓપરેશન સયાજી હોસ્પિટલમાં તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી રહ્યા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે આશીર્વાદરૂપ છે તેમ ડો. ઐયરે ઉમેર્યંુ હતું. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય બાળસુરક્ષા કાર્યક્રમના ઓથા હેઠળ સમગ્ર રાજ્યમાં નવજાત શિશુના શ્રવણશક્તિ સ્ક્રિનિંગ પ્રોગ્રામ કાર્યરત છે. જેમાં શ્રવણયંત્રો કોકલીયર ઈમ્પ્લાન્ટ અને સ્પીચથેરાપી તેમજ વર્બલથેરાપી આપવાની હોય છે. હવે કોકલીયર ઈમ્પ્લાન્ટની સુવિધાઓ સયાજી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાથી દર્દીઓને અમદાવાદ, સુરત સુધી જવાની જરૂર રહેશે નહીં. આ પ્રકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામની શરૂઆત સયાજી હોસ્પિટલમાં ગત વર્ષથી સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાુનં વધુમાં ઉમેર્યું હતું.