તાલુકાના ૨૨ ગામોના ૮૦ જરૂરિયાતમંદ પરિવારોને લેન્ડ કમિટી દ્વારા મફત પ્લોટ ફાળવાયા
04, નવેમ્બર 2021

અમરેલી, અમરેલી તાલુકાના ૨૨ ગામોના વિવિધ સમાજના ૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને તાલુકા લેન્ડ કમિટી દ્વારા પ્લોટની ફાળવણી કરી દિવાળીની અમૂલ્ય ભેટ અર્પણ કરવામાં આવી હતી. જેને કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કમિટીની બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલિયા અને ઉપપ્રમુખ વનરાજ કોઠીવાળ ઉપસ્થિત રહ્યા હતા.લાભાર્થી ભવાનભાઈ માધડે પોતાનો હર્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે સપને પણ નહોતું વિચાર્યું કે તેમને પણ ક્યારેય પોતાનો પ્લોટ મળે, જેમાં તેઓ પોતાના સપનાનું ઘર બાંધી શકે. વધુમાં ભવાનભાઈએ કહ્યું હતું કે અમે વર્ષોથી પતરાના મકાનમાં ભાડે રહીએ છીએ, પરંતુ આજનો પ્લોટની ફાળવણીનો દિવસ અમારા માટે જીવનભર યાદગાર બની રહેશે. રાજ્ય સરકારે અમારા સપનાને સાકાર કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિવાળીના પાવન તહેવારોમાં મળેલા પ્લોટ અમારા અંધકારમય જીવનમાં નવો ઉજાસ પાથરશે.અન્ય લાભાર્થી હિંમતભાઈ મોરવાડીયાએ પ્લોટની ફાળવણીની પ્રક્રિયામાં સહકાર આપનારા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમરેલીના દરેક અધિકારીઓએ ફોર્મ ભરવાથી માંડી દરેક તબક્કે અમને પૂરો સહકાર આપ્યો છે. પ્લોટની ફાળવણી કરી સરકારે ખરા અર્થમાં અમારી દિવાળી સુધારી દીધી છે. આ દિવાળી અમારા પરિવારની આજ સુધીની શ્રેષ્ઠ દિવાળી છે.આંકડાકીય વિગતો આપતાં અમરેલી તાલુકા વિકાસ અધિકારી કે.જે. આચાર્યએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકાના કુલ ૨૨ જેટલા ગામડામાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ જેવા વિવિધ સમાજના પરિવારો તરફથી ૧૪૬ જેટલી અરજીઓ મળી હતી. જેમાં વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી કુલ ૮૦ જેટલી અરજીઓ માન્ય રાખી આજે તેમને મંજૂરી આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution