રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી
21, ડિસેમ્બર 2020

અમદાવાદ, રાજ્યમાં કેટલાંક દિવસોથી ઠંડીનું જાેર વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ વધુ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે ૮ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં તો પારો ગગડીને ૩.૮ ડિગ્રી પહોંચી ગયો હતો.  

ગુજરાતમાં ઠંડી વધવાનું કારણ ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા છે. આ ઠંડાગાર વાતાવરણની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જાેવા મળી રહે છે. બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો. રાજ્યમાં સૌથી ઓછા ૩.૮ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં ૧૨.૯ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર જાેવા મળશે.

રાજ્યમાં શનિવારે ઠંડીએ વધુ જાેર પકડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઠંડીમાં ઠુંઠવાઈ રહેલા લોકોને ફરી ગાત્રો થિજાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. અમદાવાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૨ ડિગ્રી ગગડીને ૨૭.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૦.૮ ડિગ્રી ગગડીને ૧૨.૯ ડિગ્રી નોંધાયું હતું. તો ૩.૮ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી ૨ દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આમ ગુજરાતમાં હવે ૨ દિવસ દરમિયાન ઠંડીનું જાેર હજુ પણ વધશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં ૨૫ ડિસેમ્બર સુધી સરેરાશ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીએ પહોંચી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution