અમદાવાદ-

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ૧૫ દિવસ દરમિયાન અમદાવાદને સાંકળતી મુંબઇ,ચેન્નાઇ, દિલ્હી, ઇન્દોર, કોલ્હાપુરની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓગસ્ટના પ્રારંભે ગોવા માટેની વધુ એક ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતેથી હાલમાં દરરોજની સરેરાશ ૧૧૦થી વધુ ફ્લાઇટની અવર-જવર નોંધાય છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અમદાવાદને સાંકળતી ફ્લાઇટની સંખ્યા ૧૨૦ને પાર થાય તેની પૂરી સંભાવના છે. હવે આગામી ટૂંક સમયમાં અમદાવાદથી પૂણેની નવી ફ્લાઇટનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ હતી. આ સમયગાળામાં લૉકડાઉન બાદ થયેલા અનલૉકની પ્રક્રિયામાં જનજીવન થાળે પડ્યું હતું. પરંતુ માર્ચ મહિના બાદ ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થતાં એર ટ્રાફિકને મોટી અસર પહોંચી હતી. પરંતુ હવે ત્રીજી લહેરી સંભાવનાઓ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મુસાફરોની સંખ્યામાં થઇ સતત થઇ રહેલા વધારાને પગલે અમદાવાદ ખાતેથી વધુ પાંચ નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર એક સમયે લોકોની અવર જવર ઘટી હતી તે હવે ફરીવાર પૂર્વવત થઈ ગઈ છે. કોરોનાના ડરને કારણે લોકોએ એક સમયે ખાનગી વાહનોમાં મુસાફરી આરંભી હતી. પરંતુ હવે કોરોના ઓસરતાં જ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવર જવરમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂનમાં ૨.૨૩ લાખ અને જુલાઇમાં ૩.૩૨ લાખ નોંધાઇ હતી. એક મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોમાં ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવરમાં પણ વધારો નોંધાયો છે. મે મહિનામાં ૨૧૫ ફ્લાઇટમાં ૭૪૪૨, જૂનમાં ૨૧૨ ફ્લાઇટમાં ૯૨૮૮ અને જુલાઇમાં ૨૬૦ ફ્લાઇટમાં ૧૨ હજાર ૫૪૩ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવર હતી. આમ, જુલાઇમાં અમદાવાદ એરપોર્ટમાં પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ૪૮થી વધુ મુસાફરો નોંધાયા હતા.જુલાઇ મહિનામાં દિલ્હી એરપોર્ટથી સૌથી વધુ ૨૦.૨૯ લાખ, મુંબઇ એરપોર્ટમાં ૧૦.૦૫ લાખ, કોલકાતામાં ૫.૭૪ લાખ, ચેન્નાઇમાં ૪.૪૬ લાખ સાથે સૌથી વધુ મુસાફરોની અવર-જવર હતી.

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા સાઉથ એશિયા રિજિયનમાં છેલ્લા ક્વાર્ટરમાં કરાયેલા સરવેની એરપોર્ટ સર્વિસ ક્વોલિટી કેટેગરીમાં અમદાવાદ એરપોર્ટ હવે સાતમા ક્રમાંકેથી ચોથા ક્રમાંકે આવી ગયું છે. સાઉથ એશિયા રિજિયનના જુદા જુદા એરપોર્ટનો છઝ્રૈં દ્વારા ૩૩ પેરામિટર્સનો અભ્યાસ કર્યા બાદ આ રેટિંગ આપ્યું હોવાનું એરપોર્ટના ઉચ્ચ સ્તરિય સુત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ એરપોર્ટમાં જુલાઇ મહિના દરમિયાન કુલ ૩૩૬૪ ફ્લાઇટમાં ૩ લાખ ૩૨ હજાર ૮૮૭ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા સરેરાશ ૯૮ થી વધારે હતી. જેની સરખામણીએ કોરોનાની બીજી લહેર દરમિયાન મે મહિનામાં પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા માત્ર ૭૩ હતી. જેના ઉપરથી જ એરટ્રાફિક હવે પૂર્વવત્‌ થયાનો તાગ મેળવી શકાય છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ એરપોર્ટમાં જૂન મહિનામાં દરરોજ સરેરાશ ૭૪૬૧ મુસાફરોની અવર-જવર હતી. હવે જુલાઇમાં તે વધીને ૧૦ હજાર ૭૩૮ થઇ ગઇ છે.