અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દૈનિક કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના અત્યારસુધી ગુજરાતમાંથી ૩૮૨૩ વ્યક્તિને ભરખી ચૂક્યો છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં પંજાબ ૩.૨ ટકા સાથે ટોચના, મહારાષ્ટ્ર ૨.૬ ટકા સાથે બીજા, સિક્કીમ ૨.૧૦ ટકા સાથે ત્રીજા જ્યારે ગુજરાત ૨ ટકા સાથે ચોથા સ્થાને છે.

ગુજરાતમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૧૯૪૯ના મૃત્યુ થયા છે. માત્ર મૃત્યુ જ નહીં મૃત્યુદરની રીતે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર ૪.૨ ટકા છે. આમ, અમદાવાદમાં કોરોનાના પ્રત્યેક ૧૦૦ કેસમાં સરેરાશ ૪થી વધુ વ્યક્તિના મૃત્યુ થાય છે.

સૌથી વધુ મૃત્યુદર ધરાવતા જિલ્લાઓમાં અરવલ્લી ૨.૭૦ ટકા સાથે બીજા, સુરત ૨.૨૦ ટકા સાથે ત્રીજા, ગાંધીનગર ૧.૭૦ ટકા સાથે ચોથા અને પાટણ ૧.૬૦ ટકા સાથે પાંચમાં સ્થાને છે. હાલમાં માત્ર ડાંગ એવો જિલ્લો છે જ્યાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સિવાય નર્મદામાં ૦.૧૦ ટકા, ભરૃચમાં ૦.૩૦ ટકાનો કોરોનાથી સૌથી ઓછો મૃત્યુદર છે.